Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

22.12.19

વાંકાનેર ખાતે મહાનુભાવોનો સન્માન સમારોહ તથા સર્વજ્ઞાતિય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાનું સાફો પહેરાવી અને તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. 

ગઈકાલે શનિવારે બપોરે વાંકાનેરની પ્રસિદ્ધ કિડ્ઝલેન્ડ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલના પટાંગણ ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનો સન્માન સમારોહ તથા સર્વજ્ઞાતિય સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. 
 


આ કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા સહિત, રાજકોટ સંસદીય મત વિસ્તારના સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ શ્રી ચંદ્રવદન પીઠાવાલા, વાંકાનેર યુવરાજ શ્રી કેશરીદેસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. 

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ રાજ્ય સરકારની પાણી પુરવઠા સંબંધી યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય પંથકમાં સુચારુ પાણી વ્યવસ્થા માટે 3 હજારની વસ્તી હોય ત્યાં પાણીનો ટાંકો સ્થાપિત કરી આપવામાં આવે છે તે હવે 1500 ની વસ્તીએ પણ સ્થાપિત કરી આપવામાં આવશે. 

કાર્યક્રમમાં શહેરના ખ્યાતનામ ડોકટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે રાજકોટ સંસદીય મતવિસ્તારના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી જિજ્ઞાસાબેન મેર તથા કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલના ચેરમેન ચિરાગભાઈ પુજારા, પ્રિન્સિપાલ મેહુલભાઈ શાહ, માંધાતા સમસ્ત કોળી સમાજ ગ્રુપના પ્રમુખ મુકેશભાઈ ધરજીયા, માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ શૈલેષભાઇ જાંબુકીયાને આ સર્વજ્ઞાતિય સ્નેહમિલન કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

કાર્યક્રમ દરમિયાન વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનનાં મહિલા PSI પૂજા મોલિયા સહિત સ્ટાફે સુચારુ પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો.

કાર્યક્રમની આભારવિધિ કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલના ચેરમેન ચિરાગભાઈ પુજારા, પ્રિન્સિપાલ મેહુલભાઈ શાહે કરી હતી.

19.12.19

વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કૂલના પટાંગણમાં આવતીકાલે મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાશે


વાંકાનેર : વાંકાનેરની પ્રસિદ્ધ કિડ્ઝલેન્ડ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલના પટાંગણ ખાતે આવતીકાલે રાજ્ય સરકારમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજકોટ સંસદીય મત વિસ્તારના સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા તથા અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ શ્રી ચંદ્રવદન પીઠાવાલાનો સન્માન સમારોહ તથા સર્વજ્ઞાતિય સ્નેહમિલનનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં સર્વધર્મના તથા સર્વસમાજના લોકોને આવતીકાલે તારીખ 21/12/2019 શનિવારે, બપોરે 2:30 કલાકે કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલ, જડેશ્વર રોડ, દૂધની ડેરી આગળ, મોટીવાડી રોડ ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમનું આયોજન વાંકાનેરના કોળી સમાજના મહિલા અગ્રણી તથા અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી જિજ્ઞાસાબેન મેર તથા કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલના ચેરમેન ચિરાગભાઈ પુજારા, પ્રિન્સિપાલ મેહુલભાઈ શાહ, માંધાતા સમસ્ત કોળી સમાજ ગ્રુપના પ્રમુખ મુકેશભાઈ ધરજીયા, માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ શૈલેષભાઇ જાંબુકીયા દ્વારા કરવામાં આવ્યું છે.

13.12.19

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ડોકટર સહિતની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત


વાંકાનેર : છેલ્લા અનેક સમયથી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગના નિષ્ણાંત ડૉક્ટરોનું મહેકમ મંજુર હોવા છતાં ડોકટર સહિત અન્ય પોસ્ટની જગ્યા ભરવા વાંકાનેરના અલ્તાફ બ્લોચે મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

પત્રમાં જણાવાયું છે કે વર્તમાન સરકાર દ્વારા થોડા વર્ષો અગાઉ વાંકાનેરની સરકારી હોસ્પિટલને આધુનિક હોસ્પિટલમાં તબદીલ કરી હતી અને હોસ્પિટલને અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી હતી જે આવકારદાયક બાબત છે.

પરંતુ ડોકટર સહિતની અનેક જગ્યાઓનું મહેકમ મંજુર હોવા છતાં તે જગ્યાઓ ભરવામાં આવી નથી. જેના પરિણામે  દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

આથી જો ઉપરોક્ત વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે મંજુર મહેકમ ઓછું પડતું હોય તો તે વધારવા અથવા પૂરતું હોય તો તમામ ખાલી જગ્યાઓ ભરવા અલ્તાફ બ્લોચ દ્વારા માંગણી કરવામાં આવી છે. 

25.10.19

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સરાહનીય કાર્ય, ગરીબ બાળકોનાં ઘરે પહોંચી ફટાકડા આપ્યા


BY ILYAS KHAN,

વાંકાનેર : દિવાળીનો તહેવાર આવે છે પણ તેની પાસે નવું કહી શકાય એવું એકેય લૂગડું નથી કે ખાવા મીઠાઈ નથી ફટાકડા તો બહુ દુરની વાત છે. આવા ગરીબ પરિવારના સંતાનો જ્યારે તહેવારોમાં બીજા બાળકોને ફટાકડા ફોડતા જોતા હશે તો શું વિતતી હશે એમના મન પર ??

કહેવાય છે કે દિવાળી એ પ્રકાશનું પર્વ છે પણ પ્રકાશ ફક્ત દીવડા પેટાવીને કે ફટાકડા ફોડીને જ નથી થતો. પરંતુ જેના ઘરની પરિસ્થિતિ નબળી અને ગરીબ છે તેમના સંતાનોના ચેહરા પર ખુશીઓ લાવવી એ પણ પ્રકાશ ફેલાવ્યા બરાબર જ છે. ખરેખર તો એને જ ઉત્સવ ઉજવ્યો કહેવાય. આવો જ પ્રયાસ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

આજરોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના PSI આર.પી.જાડેજા અને સ્ટાફ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો પણ દિવાળી ઉજવી શકે તેવા ઉમદા હેતુથી તેમના ઘરે પહોંચી ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે PSI આર.પી.જાડેજા મોરબી જિલ્લાનાં સૌથી કર્મનિષ્ઠ પોલીસ અધિકારીઓ પૈકી એક છે. આ પહેલા તેઓએ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનર PSI તરીકેની ફરજ દરમિયાન પણ અનેક સરાહનીય કાર્યો કર્યા હતા.


ઉપરોક્ત પોલીસ અધિકારીની આ ઉમદા પ્રજાલક્ષી કામગીરીને 'આપણું વાંકાનેર' પરીવાર બિદરાવે છે.

9.9.19

વાંકાનેર નજીક અલભ્ય શાહુડીનો યુવક પર હુમલો, ગોળીની જેમ કાંટા ફેંક્યા, સદનસીબે બચાવ


By : Ilyas Khan,

વાંકાનેરથી રાજકોટ જતા માર્ગ પર ગઈકાલે રાત્રે શાહુડીએ દેખા દેતા લોકોમાં કુતૂહુલ જાગ્યું છે. એટલું જ નહી પરંતુ શાહુડીએ ત્યાંથી પસાર થતા એક યુવક પર પોતાના ધારદાર કાંટા છોડી હુમલો પણ કર્યો હતો જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેરથી રાજકોટ જતા રોડ પર કે જ્યાં હાલ રેલવેનું કામકાજ ચાલુ હોય બે-ત્રણ ડાયવર્જન મુકાયેલ છે તે પૈકી પહેલા ડાયવર્જન પાસે ગઈકાલે રાત્રે શાહુડીએ દેખા દીધી હોવાનું નજરે જોનાર સાક્ષીઓએ જણાવ્યું હતું.

ગઈકાલે રાત્રે 11 વાગ્યાનાં સુમારે ઉપરોક્ત માર્ગે પોતાનું એક્ટિવા મોટરસાઇકલ લઈને પસાર થતા પરવેઝભાઈ કુરેશી નામનો યુવક પોતાના મિત્ર સાથે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેના એક્ટિવા સાથે 3 થી 4 ફૂટ લાંબી શાહુડી અથડાઈ હતી અને તરત જ પોતાના શરીર પરનાં ધારદાર કાંટા છટકાવી યુવક પર હુમલો કર્યો હતો અને પળવારમાં જ ગાયબ થઈ ગઈ હતી.

શાહુડીએ યુવક પર હુમલો કર્યો ત્યારે 3 થી 6 ઇંચ લંબાઈ ધરાવતા આવા કાંટા બંદૂકની ગોળીની જેમ ફેંક્યા હતા

શાહુડીના આ હુમલાથી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે શાહુડી એક શાકાહારી જીવ છે પરંતુ પોતાને ભય લાગે ત્યારે પોતાના શરીર પરના ધારદાર અને 3 થી 6 ઇંચની લંબાઈ ધરાવતા કાંટા બંદૂકની ગોળીની જેમ દુશ્મન પર છોડે છે.

5.9.19

વાંકાનેર કિડ્ઝલેન્ડ સ્કૂલનાં 11 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડમાં ચમક્યા


By Ilyas Khan, 

વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે સંસ્કાર આપતી વાંકાનેર શહેરની નામાંકિત શિક્ષણ સંસ્થા એટલે કે કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ વધુ એક વખત અનેરી સિદ્ધિ મેળવી છે. 

સ્કૂલનાં 11 વિદ્યાર્થીઓએ SOF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ 2018 - 19 કે જેમાં ITI મુંબઈ તથા ITI કાનપુર તથા પ્રખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સીટીના નિષ્ણાંત શિક્ષકો દ્વારા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે તેમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.  

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત SOF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ 2018 - 19 માં કુલ 126 સ્કૂલે ભાગ લીધો હતો જે પૈકી કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલનાં વિદ્યાર્થીઓના દમદાર પ્રદર્શનના કારણે સ્કૂલને 6 ક્રમાંક મળ્યો હતો. 


આજે શિક્ષક દિવસની ઉજવણીની સાથે SOF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્કૂલમાં જ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં સપસ્થિત પત્રકારો તથા સ્કૂલનાં સ્ટાફના વરદહસ્તે સર્ટિફિકેટ, ગોલ્ડ મેડલ તથા Rs.1000 ના મૂલ્યની ગિફ્ટ એનાયત કરવામાં આવી હતી. 


આ ઉપરાંત આજે શિક્ષક દિવસ નિમિત્તે એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાથિઓને પણ સ્કૂલ તરફથી ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.  

સ્કૂલનાં સંચાલક મેહુલ પી. શાહ તથા ઉપસ્થિત મહાનુભાવોએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

SOF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ 2018 - 19 માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કિડ્ઝલેન્ડ સ્કૂલનાં વિદ્યાર્થીઓની નામાવલી 

  1. કાવ્યા કાનાબાર - (ધોરણ - 3) 
  2. ધ્રુવિન સાગર - (ધોરણ - 3) 
  3. વીર સરસાવાડિયા - (ધોરણ - 3) 
  4. ધર્મ વાત્સિયાની - (ધોરણ - 3)  
  5. અભિનવ શમા - (ધોરણ - 3) 
  6. પિયુષ યાદવ - (ધોરણ - 3) 
  7. હાર્વી દોશી - (ધોરણ - 4) 
  8. કાવ્યા દેલવાડીયા - (ધોરણ - 4) 
  9. શ્રિયા જોશી - (ધોરણ - 4) 
  10. શાહીન પીંડાર - (ધોરણ - 5) 
  11. પરમ કાનાબાર - (ધોરણ - 5) 

-: WRITTEN BY :-

15.8.19

વાંકાનેર ખાતે વિવિધ સ્થળોએ 15 ઓગસ્ટનાં રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી


આજે 15મી ઓગષ્ટ 'સ્વાતંત્ર્ય દિન'  નિમિત્તે વાંકાનેર શહેર અને પંથકમાં વિવિધ સ્થળોએ હર્ષોઉલ્લાસ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી. 

જે અંતર્ગત વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે વાંકાનેર શહેર SDM નીરવકુમાર એફ. વસાવાનાં વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.


તાલુકા કક્ષાના આ ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારીયા, વાંકાનેર ધારાસભ્ય જાવેદ પીરઝાદા, I/C મામલતદાર એ.બી.પરમાર, સરપંચ ગુલામ શેરસીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ દેશપ્રેમને સમર્પિત વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતો અને ગ્રામજનોનું મન મોહી લીધું હતું. 

સૈયદી લુકમાનજી સાહેબ મઝાર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ 



આજે 15મી ઓગષ્ટ 'સ્વાતંત્ર્ય દિન' ની વાંકાનેર વ્હોરા સમાજ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી.


જેમાં શહેરના પેલેસ રોડ પાસે આવેલા સૈયદી લુકમાનજી સાહેબ મઝાર (દાઉદી વ્હોરા મુસાફિરખાના) ખાતે સવારે 9 વાગ્યે વાંકાનેર વ્હોરા સમાજનાં આમીલ શેખ શબ્બીરભાઈ એઝઝીનાં વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 




કાર્યક્રમમાં વાંકાનેર દાઉદી બોહરા જમાતના સેક્રેટરી હુશેનીભાઈ હાથી અને વાલી મુલા સલમાનભાઈ મલકાણી એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારેલ હતી તેમજ કાર્યક્રમની સંચાલન વ્યવસ્થા દાઉદી બ્હોરા યંગ ગ્રૂપનાં મેમ્બરોએ સંભાળી હતી.


લીટલ ટ્રી સ્કૂલ ખાતે પણ બાળકોએ ઉજવ્યું રાષ્ટ્રીય પર્વ


વાંકાનેર શાહબાવા દરગાહ નજીક આવેલી લીટલ ટ્રી સ્કૂલ ખાતે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ધ્વજવંદનનાં કાર્યક્રમ બાદ દેશપ્રેમનાં ગીત-સંગીત પર બાળકોએ પોતાની નિર્દોષ શૈલીમાં નૃત્ય કર્યા હતા.




 -: WRITTEN BY :- 

21.7.19

વાંકાનેર : સિપાહી સમાજનાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો


આજ રોજ વાંકાનેર ખાતે સિપાહી જ્ઞાતિનાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શિક્ષણ, સેવા, આરોગ્યનાં મુદ્રાલેખ સાથે સિપાહી જ્ઞાતિનાં નવયુવાનો દ્વારા કાર્યરત એવા " સિપાહી યુવા મિત્ર ગ્રૂપ " દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સિપાહી જ્ઞાતિનાં અગ્રણી આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


શહેરનાં પ્રતાપ રોડ પાસે આવેલા સિપાહી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સિપાહી જ્ઞાતિનાં સભ્યોના સંતાનો કે જેઓએ શિક્ષણ ક્ષેત્રે સારો દેખાવ કરી 70 ટકા ઉપરાંત માર્ક્સ મેળવેલ હોય તેઓને સિપાહી યુવા મિત્ર ગ્રૂપ તરફથી પ્રોત્સાહન સ્વરૂપે ઉચિત મેડલ, ટ્રોફી, નોટબુક જેવા ઇનામો આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શકીલ પીરઝાદા ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સિપાહી યુવા મિત્ર ગ્રુપનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

*(Photo credit : Furqan Qureshi)


-: WRITTEN BY :-

30.6.19

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ- સમિતીની બેઠક યોજાઇ

wankaner city police station meeting about ashadhi beej festival

વાંકાનેર : આજરોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આગામી અષાઢી બીજનાં તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

વાંકાનેરનાં નવનિયુક્ત પીઆઇ હર્ષવર્ધન રાઠોડનાં અધ્યક્ષપદે આયોજિત આ બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આગામી 4 જુલાઈએ અષાઢી બીજનો તહેવાર હોય વાંકાનેર શહેરમાં પણ ભરવાડ સમાજ દ્વારા શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેને અનુલક્ષી શહેરમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ યથાવત રહે તે માટે વાંકાનેર શહેર પોલીસ દ્વારા ઉપરોક્ત બેઠક યોજાઈ હતી. 

15.6.19

અમદાવાદ ટ્રાફિક પોલીસનો છબરડો, અદ્રશ્ય વાહનને ઇ-ચલાન ફટકારી દીધું..!!


વાંકાનેર : (ઈલ્યાસખાન દ્વારા), રાજ્ય ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આધુનિકતા સાથે કદમ મિલાવી આઈવે પ્રોજેકટ કાર્યરત છે જેમાં CCTV કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોની વાહન નંબર દ્વારા ઓળખ મેળવી તેમને ઇ-ચલાન મોકલી ઓનલાઈન દંડ વસુલ કરવામાં આવે છે.

પણ ક્યારેક અતિ આધુનિકતાનાં છબરડાને કારણે નિર્દોષ વાહનચાલકોને પણ વિના વાંકે દંડાવાનો વારો આવે છે.

આવો જે એક બનાવ વાંકાનેરના વાહનચાલક સાથે બનવાની ઘટના સામે આવી છે જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે વિના વાંકે ઇ-ચલાન પાઠવી છબરડા કરવાનો ક્રમ યથાવત રાખ્યો છે.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વાંકાનેર કુંભારપરા ખાતે રહેતા અને પોતાનું મહિન્દ્રા મેક્સિમો વાહન ધરાવતા સુરેશભાઈ અંબાભાઈ ગુજરાતીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ઇ-ચલાન પાઠવી દંડ ભરવા જણાવાયું છે.

વાહનચાલક સુરેશભાઈનું વાહન ત્રણ મહિનાથી ઘરે જ હોવા છતાં ઇ-ચલાન કઈ રીતે આવ્યું તે આશ્ચર્ય ઉપજાવે છે

જો કે વાહનચાલક સુરેશભાઈના જણાવ્યા મુજબ તેઓનું મહિન્દ્રા મેક્સિમો વાહન છેલ્લા ત્રણેક મહિનાથી ઘરે જ છે અને ક્યાંય બહાર લઈ ગયેલ પણ નથી. તેવામાં અમદાવાદ પોલીસની ત્રીજી આંખને આ વાહન ક્યાંથી દેખાઈ ગયું એ નવાઈ પમાડે છે.

ઇ-ચલાનની તસ્વીરમાં ક્યાંય સુરેશભાઈનું વાહન ક્યાંય દેખાતું જ નથી ..!! છે ને બાકી તંત્ર.. 

આટલું ઓછું હોય તેમ ઇ-ચલાનમાં ટ્રાફિક નિયમનો ભંગ કરવા અંગે જે ફોટા દર્શાવવામાં આવ્યા છે તેમાં ચશ્મા પહેરીને જોવા છતાં સુરેશભાઈનું મહિન્દ્રા મેક્સિમો વાહન દેખાતું નથી. વળી ઇ-ચલાનમાં દર્શાવેલ નંબર સુરેશભાઈના વાહનના જ છે તેવામાં અમદાવાદ ટ્રાફિક પોલીસના આઈવે પ્રોજેકટના કર્મચારીઓની કામગીરી પર પણ સવાલ ઉભો થાય છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ આઈવે પ્રોજેકટનાં આવા છબરડા બહાર આવવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. 

14.2.19

વાંકાનેરની કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ફ્રી મેડિકલ ચેક-અપ કેમ્પ યોજાયો

wankaner - wankaner news - kidzland school wankaner

કહેવાય છે કે નાના બાળકો કાચા ઘડા સમાન હોય છે તેને જેવો ઘાટ આપો એવા ઘડાઈ જાય. બાળકોમાં નાનપણથી જ સારા સંસ્કારોનું સિંચન થાય અને તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા મળે તેવા કાર્યક્રમોનું અવાર-નવાર આયોજન કરવા માટે જાણીતી વાંકાનેરની કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં આજરોજ 14/2 નાં દિવસે વેલેન્ટાઈન ડે નાં બનાવટી નાટકો ઉજવવાને બદલે એક મેડિકલ ચેક-અપ કેમ્પનું આયોજન કરી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. 


આ કેમ્પમાં ડો. હેતલ અને ડો. અનિલ દ્વારા સ્કૂલનાં તમામ વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થીઓને બજારમાં મળતા જંકફૂડ અને ખુલ્લાં વેંચાતા નાસ્તાઓથી શરીરને કેવું નુકશાન થાય છે તે અંગે સમજણ અપાઈ હતી. 

ઉપરાંત "મોબાઈલ અને તેના આપણાં શરીર તથા આંખોને થતા નુક્શાનો"વિષય પર પણ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં જ્ઞાન અપાયું હતું.


ઉપરોક્ત કેમ્પને સફળ બનાવવા કિડ્ઝલેન્ડ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલનાં સંચાલકો અને સ્ટાફનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી. 

19.1.19

ઇસ્લામિક ધાર્મિક સાહિત્યમાં બહુમૂલ્ય યોગદાન આપનાર મોઇનુદ્દીન મનીઆર વાંકાનેરની મુલાકાતે


મૂળ ગુજરાતનાં વલસાડ શહેરનાં વતની અને હાલ ઇંગ્લેન્ડના વેમ્બલી (લંડન) ખાતે સ્થાયી મોઇનુદ્દીન હાજી ગુલામ બશીર મનીઆર આજે (18 જાન્યુઆરી) વાંકાનેરનાં મહેમાન બન્યા હતા. 

મોઇનુદ્દીન મનીઆરે ખાસ કરીને ઇસ્લામ ધર્મ વિષયે અતિ ઉપયોગી અને સંગ્રહ કરવા લાયક અનેક પુસ્તકોનો ગુજરાતી અનુવાદ કરી ઇસ્લામિક ધાર્મિક સાહિત્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. 

હઝરત ઇમામ મુહ્યુદ્દીન અબુ ઝકરીયા યહયા બિન શરફ અન-નવવી (રહેમતુલ્લાહ અલૈહ, દમાસ્કસ (ઇરાક) દ્વારા મૂળ અરબી ભાષામાં લખાયેલ અને માતબર મહત્વ ધરાવતા પુસ્તક "રિયાદુસ્સાલિહીન" નું સુન્ની મુસ્લિમ કમિટી - ગોંડલનાં સહયોગથી મોઇનુદ્દીન મનીઆરે બે ભાગોમાં સરળ ગુજરાતી અનુવાદ કરી ગુજરાતી ઇસ્લામિક સાહિત્યની બેનમૂન સેવા કરી છે. 

ઉપરાંત ગુજરાતી-ઉર્દુ શબ્દકોશ પણ તેઓનું યાદગાર પ્રકાશન છે. તેઓ આજે પોતાનાં વતન વલસાડથી અમદાવાદ અને અમદાવાદથી ખાસ બે સ્નેહી-મિત્રો અયુબખાન પઠાણ અને અશરફ ભાઈને મળવા વાંકાનેર આવ્યા હતા અને ધાર્મિક વિષયે વિવિધ ચર્ચાઓ કરી હતી. 

આપણું-વાંકાનેરનાં ફાઉન્ડર ઈલ્યાસ ખાન દ્વારા તેઓને આગ્રહ કરાતા એમણે યાદગાર તરીકે એક બહુમૂલ્ય નસિહત કરતા જણાવ્યું હતું કે " તમારી ક્ષમતા મુજબનું નેક કામ કરતા રહો, પરંતુ એ નેક કામનો બદલો કે વળતરની અપેક્ષા ન રાખવી. નેકી (સદકાર્ય) ફક્ત અલ્લાહ માટે જ કરવું અને એ જ જો ચાહશે તો તેનો બદલો આપશે. "

:- તેઓનું પોસ્ટલ એડ્રેસ તથા ઇ-મેલ આઈડી :-

- Adress 
Moinuddin Manier
64, Cecil avenue, WEMBLEY
Middlesex HA9 7EA, UK
- E-mail 
mgmaniar@hotmail.com


24.12.18

પ્રેરક પહેલ : જ્યારે સ્કૂલનાં નાના વિદ્યાર્થીઓ અને વૃદ્ધાશ્રમનાં વડીલોએ હેત અને વ્હાલ વરસાવ્યું..


આજે સવારે 11 વાગ્યાનાં સુમારે શહેરનાં વૃદ્ધાશ્રમમાં એક અવિશ્વસનીય દ્રશ્ય જોવા મળ્યું. સ્કૂલનાં નાના બાળકો વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ગિફ્ટ આપી રહ્યા હતા. સાથે બાળકોનાં થેંક્યુ... વેલકમ... જેવા શબ્દો વૃદ્ધોનાં ચેહરા પર વ્હાલ સહીતનું સ્મિત લાવી દેતા હતા. 

વાત છે વાંકાનેર મચ્છુકાંઠા વૃદ્ધશ્રમની. અહીં વાંકાનેરની પ્રતિષ્ઠિત એવી કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલનાં વિદ્યાર્થીઓએ શહેરનાં વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ અનોખી પહેલ કરી હતી. 

પહેલા સમય એ હતો કે બાળકોની ભૂલ થાય તો તેના ભવિષ્ય સુધરે એ હેતુથી માતાપિતા એને વઢતા. જ્યારે આજનાં આધુનિક યુગમાં ગેજેટ્સ અને એન્ડ્રોઇડને ઓપરેટ કરતા આવડે એટલે સંતાનો પોતાને એટલા સમજદાર માનવા લાગે છે કે માતાપિતાને પણ વઢી લે. 

પહેલાનાં સમયમાં સ્કૂલમાં બાળકોને ભણાવતા શિક્ષકને "માસ્તર" કહી બોલવાતા. એનું કારણ એ શબ્દમાં જ છુપાયેલું છે માં+સ્તર એટલે જેનું સ્તર માં બરાબર હોય એ વ્યક્તિ એટલે માસ્તર અથવા શિક્ષક. 

આવા જ એક શિક્ષક એટલે વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કૂલનાં પ્રિન્સિપાલ મેહુલ શાહ. તેમની સ્કૂલનાં કુમળી વયનાં વિદ્યાર્થીઓમાં પોતાના માતાપિતા, વડીલો અને શિક્ષકો પ્રત્યે આદરભાવ અને સન્માન આપવાની ભાવના વિકસે એ હેતુથી તેમણે અને સ્કૂલનાં સંચાલક ચિરાગ પુજારા તથા પારુલ પુજારાએ વિદ્યાર્થીઓને વાંકાનેર સ્થિત મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવવાની સરાહનીય પહેલ કરી. 


મુલાકાત દરમિયાન સ્કૂલનાં વિદ્યાર્થીઓએ એકલવાયુ જીવન જીવતા વડીલોને પ્રેમપૂર્વક ખજૂર, શેરડી, અડદિયા, તરબૂચ તથા કચોરીયું જેવી વસ્તુઓ ગિફ્ટ આપી તેઓને પરિવારની ખોટ પુરી કરવા પ્રયાસ કર્યો હતો. 

આ પ્રસંગે ઉપસ્થિત મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમનાં સંચાલક બિપિન દોશીએ કિડ્ઝલેન્ડ સ્કૂલની આ પહેલને આવકારી હતી. અને વિદ્યાર્થીઓને સંવાદ કરતા જણાવ્યું હતું કે પહેલાનાં સમયમાં એક કહેવત બહુ પ્રચલિત હતી "સોટી વાગે ચમ-ચમ, વિદ્યા આવે ઝમ-ઝમ" એ સમય એવો હતો જ્યારે શિક્ષક મહેનતપૂર્વક વિદ્યાર્થીને ભણાવે અને વિદ્યાર્થી ન ભણે ત્યારે તેને સજા આપવા તેના હાથમાં માસ્તર સોટી ફટકારી વઢતા જેથી તેને ભણવાની ગંભીરતા સમજાય. અને તે સજા પણ લાંબાગાળે વિદ્યાર્થીના હિતમાં જ હોય. " 


હવે એ સમય નથી રહ્યો. આપણે આપણા ઘરમાં જ જોઈએ છીએ કે નાના બાળકો પણ પોતાના માતાપિતા કે વડીલોને " એમાં તમને કંઈ ખબર ન પડે... જેવા ભારેખમ શબ્દો કહેતા અચકાતા નથી. તેવા સમયમાં બાળકો જ્યારે વિકસિત થઈ રહ્યા હોય ત્યારે જ તેનામાં પરિવાર પ્રત્યે આદરભાવની લાગણી જન્મે એ મહત્વનું છે.. " 


ઉપરોક્ત કાર્યક્રમને અંતે બાળકોએ પોતાની સાથે લાવેલ નાસ્તો વૃદ્ધાશ્રમમાં જ કર્યો હતો. સમગ્ર આયોજન દરમિયાન કિડ્ઝલેન્ડ સ્કૂલનાં શિક્ષકો તથા સ્ટાફનાં મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી. 



8.12.18

વાંકાનેરનાં તેજા બાપા : ઉંમર 70 વર્ષ પણ સ્ફૂર્તિ યુવાનોને પણ શરમાવે તેવી

wankaner - aapnu wankaner - wankaner news

આજકાલની યંગ જનરેશનને તમે કોઈ કામ સોંપો અને કહો કે બાઇક ન લઈ જતો, ચાલીને જજે..  એટલે જાણે કોઈએ તેને હિમાલય તોડવા જેવું કામ ન સોંપી દીધું હોય એવું મોઢું બગડી જાય. 

ફાસ્ટફૂડ, મોબાઈલ અને બેઠાડું જીવન જીવવાની આદતોએ જુવાનિયાઓની સ્ફૂર્તિનો એવો દાટ વાળ્યો છે  કે એને હવે આળસુ નહીં પણ આળસુનાં પીરનું બિરુદ પણ ઓછું પડે.

હવે મૂળ વાત કરીએ...

નામ તેજા બાપા, આશરે 70 વર્ષની ઉંમર અને વાંકાનેરથી 5 ગાઉ (લગભગ 20 કિમી) મોરથરા ગામનાં વતની. 

તેજા બાપા અઠવાડિયે કે પંદર દિવસે એકાદ વાર વાંકાનેર આવે પણ એની જૂની-પુરાણી સાઇકલ લઈને જ આવે.

70 વર્ષનાં તેજા બાપા છેક
20 કિમી દૂર મોરથરા ગામથી
સાયકલ ચલાવીને વાંકાનેર આવે છે 
વિચાર આવે કે અહીં શહેરનાં જુવાનિયા અડધો કિમી સાયકલ ચલાવવામાં'ય ખભા ઉલાળીને ના કહી દે છે ને આ 70 વર્ષનાં તેજા બાપા છેક 20 કિમી દૂર મોરથરાથી સાયકલ ચલાવીને વાંકાનેર સુધી આવે છે તો એની સ્ફૂર્તિ કેવી હશે. 

આ વિશે પૂછતાં તેજા બાપા જણાવે છે કે તેઓ રોજ વહેલી સવારે 6 વાગ્યે અચૂક ઉઠી જ જાય. સવારે ભેંસનું તાજું દૂધ અને બાજરાનાં રોટલાનું શિરામણ (ગામડામાં સવારનાં નાસ્તાને શિરામણ કહે છે) કરી સાયકલ લઈ વાડીએ કામે લાગી જાય.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તેજા બાપાને આજે 70 વર્ષની ઉંમર થવા છતાં એકેય આંખમાં નંબર નથી અને વાળ એવા કે જોનારને એવું લાગે જાણે હમણાં જ કાળો કલર ન કરાવ્યો હોય. 

પોતાની બીજી પેઢી એટલે કે પુત્રનાં પુત્રો (પૌત્રો) ને પણ પોતાનાં હાથે રમાડી ચૂકેલા તેજા બાપા દરરોજ લગભગ 4-5 કિલોમીટર સાયકલ ચલાવી લે છે. હા, એક ચા અને બીડી પીવાનું વ્યસન ખરું પણ તેની માત્રા એટલી કે શરીરની તંદુરસ્તી પર એની અસર વર્તાઈ નહીં.


1.12.18

PUBG ગેમ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા મુખ્યમંત્રીશ્રીને વાંકાનેરનાં યુવાનની રજુઆત

wankaner - wankaner news - letter to cm from Altaf Bloch for ban PUBG game

આજકાલ દેશભરનાં યુવાનોમાં PUBG નામની એક એન્ડ્રોઇડ ગેમનો ભારે નહીં પણ અતિભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. 30 થી 40 વર્ષની આધેડ વ્યક્તિ હોય કે 10 વર્ષનું નાનું બાળક જેને આ PUBG ગેમનો ચસ્કો એક વખત લાગી ગયો તેને આ ગેમની ડ્રગ્સ અને દારૂની જેમ આદત પડી જાય છે. 

થોડા સમય પહેલાં જ બ્લુવ્હેલ નામની એક એન્ડ્રોઇડ ગેમ બહુ પ્રચલિત થઈ હતી જે અંતે ખેલાડીને આત્મહત્યા કરવા સુધી દોરી જતી હતી. જો કે જે તે સમયે ગુજરાતની રાજ્ય સરકારે આ ગેમ પર પ્રતિબંધ મૂકી સરાહનીય કામ કર્યું હતું. એ જ મુજબ હાલ PUBG ગેમ યુવાનોમાં માનસિક વિનાશ નોતરી રહી છે ત્યારે આ ગેમ પર પણ રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે તેવી માંગણી વાંકાનેરનાં એક યુવાન અલ્તાફ બ્લોચે રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ને કરી છે. 

અલ્તાફ બ્લોચ - M - 99741 61161
અલ્તાફ બ્લોચે મુખ્યમંત્રીશ્રીને પાઠવેલા લેખિત પત્રમાં જણાવ્યું છે કે "PUBG ગેમને કારણે દેશભરનાં અને ખાસ કરીને ગુજરાતનાં યુવાધનને ભારે નુકશાન થઈ રહ્યું છે. યુવાનોમાં આ ગેમનું વળગણ અતિ કહી શકાય એ હદે વ્યાપી રહ્યું છે. આ PUBG ગેમનાં એનિમેશન અને ટાયર્સ મારધાડ અને એવા સંમોહિત કરી દેનારા હોય છે કે રમનાર ખેલાડીને સમય, પરિસ્તીથી, ઘર-પરિવાર કે લાગણી-ભાવનાઓની કંઇ જ પરવા નથી રહેતી અને કલાકો સુધી સતત ગેમ જ રમ્યા કરે છે. જે તેના પોતાનાં માટે તો નુકશાનકર્તા છે જ સાથે ઘર-પરિવાર વચ્ચે વિખવાદનું કારણ બને છે."

પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે "મારધાડ અને હિંસક દ્રશ્યોથી ભરપૂર એવી આ PUBG ગેમથી કોઈ પણ પ્રકારનો સહેજ'ય ફાયદો નથી જ. માટે રાજ્ય સરકારે આ ગેમ પર તાત્કાલિક ધોરણે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી રાજ્યનાં યુવાધનને બચાવવું જોઈએ."