વાંકાનેર : દિવાળીનો તહેવાર આવે છે પણ તેની પાસે નવું કહી શકાય એવું એકેય લૂગડું નથી કે ખાવા મીઠાઈ નથી ફટાકડા તો બહુ દુરની વાત છે. આવા ગરીબ પરિવારના સંતાનો જ્યારે તહેવારોમાં બીજા બાળકોને ફટાકડા ફોડતા જોતા હશે તો શું વિતતી હશે એમના મન પર ??
કહેવાય છે કે દિવાળી એ પ્રકાશનું પર્વ છે પણ પ્રકાશ ફક્ત દીવડા પેટાવીને કે ફટાકડા ફોડીને જ નથી થતો. પરંતુ જેના ઘરની પરિસ્થિતિ નબળી અને ગરીબ છે તેમના સંતાનોના ચેહરા પર ખુશીઓ લાવવી એ પણ પ્રકાશ ફેલાવ્યા બરાબર જ છે. ખરેખર તો એને જ ઉત્સવ ઉજવ્યો કહેવાય. આવો જ પ્રયાસ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
આજરોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના PSI આર.પી.જાડેજા અને સ્ટાફ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો પણ દિવાળી ઉજવી શકે તેવા ઉમદા હેતુથી તેમના ઘરે પહોંચી ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે PSI આર.પી.જાડેજા મોરબી જિલ્લાનાં સૌથી કર્મનિષ્ઠ પોલીસ અધિકારીઓ પૈકી એક છે. આ પહેલા તેઓએ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનર PSI તરીકેની ફરજ દરમિયાન પણ અનેક સરાહનીય કાર્યો કર્યા હતા.


