Showing posts with label ડો. અલ્તાફ શેરસીયા. Show all posts
Showing posts with label ડો. અલ્તાફ શેરસીયા. Show all posts

25.7.19

ડોકટર્સ ડાયરી : " ઓળખાણ પડી સાહેબ... " (ઓપીડીનાં દરવાજા બાજુથી અચાનક અવાજ આવ્યો)

Wankaner city news

" ઓળખાણ પડી સાહેબ !!!!!!! "

ઓપીડીનાં દરવાજા બાજુથી અચાનક અવાજ આવ્યો..

" શું થયુ બતાવવાનું છે ? મેં સહજતાથી પૂછ્યું.. "

" ના સાહેબ, ખાલી મળવા જ આવ્યો છું. " (નિખાલસ સ્મિત સાથે બાળકે  જવાબ આપ્યો)

એ હસતાં બાળકને જોઇ હું જાણે વિચાર શૂન્ય બની ગયો. હજુ હું કાઈ યાદ કરું તેના પહેલા જ દરવાજામાંથી સ્મિત કરતા ચહેરા સાથે એક દંપતીની એન્ટ્રી થઇ અને જાણે ભૂતકાળની એ 2 વર્ષ પહેલાંની ઘટના મારી આંખો સમક્ષ તાજી થઇ !

આજથી બે વરસ પહેલા ટંકારા તાલુકાથી (અહી દર્દીનું નામ લખવું યોગ્ય ન હોવાથી લખ્યું નથી) આ દંપતી ઘણી બધી ફાઈલો લઇ એ બાળકની સારવાર કરાવવા માટે મારી હોસ્પિટલે આવેલું. 

બાળકનાં માતાપિતા બન્નેનાં નિરસ ચહેરા અને ચહેરાનાં હાવભાવ એટલું કહેવા માટે કાફી હતા કે આ બાળક કોઈ અસાધ્ય બીમારીથી પીડાય રહ્યું છે.

કેટલા સમયથી તકલીફ છે ? શું સારવાર કરાવી ? વગેરે અનેક પ્રશ્નો પૂછ્યા. શાંતિથી બધી તપાસ કરતા ખબર પડી કે આ બાળક સોરીયાસિસ નામની ચામડીની તકલીફથી પીડાય રહ્યો છે. 

ખૂબ સારવાર કરવા છતાં સફળતા ન મળતા ચિંતામાં ને ચિંતામાં બાળકનાં માતા પિતા પણ ડિપ્રેશનનો શિકાર બનેલા. (એક ડોક્ટર તરીકે નિખાલસતાથી કહું તો આ (સોરીયસીસની બીમારી) નો પહેલા સ્ટેજની સારવારનો પૂરતો અનુભવ મારી પાસે ન હતો) પરંતુ એ બાળકનો વિશ્વાસ અને માતાપિતાનાં દ્રઢ મનોબળે મને દરેક પ્રકારની સારવાર કરવાની જાણે છૂટ આપી હોય એમ વિચારી મેં આયુર્વેદિક પદ્ધતિ વડે સારવાર કરવાનું વિચાર્યું !!! 

બાળકનાં માતાપિતાને આશ્વાસન આપી રોગ વિશેની પરેજી સમજાવી સારવાર ચાલુ કરી પણ...

ડોક્ટર સાહેબ આ બીમારી 100% મટી તો જશે ને ? (માતાપિતાનાં એ લાગણીશીલ સવાલનો જાણે મારી પાસે કોઈ જવાબ જ ના હોય એમ અલ્પ આત્મવિશ્વાસ સાથે કહ્યું હા....! હું પૂરતો પ્રયત્ન કરીશ.. જેમ દરેક ડૉક્ટર પોતાની છટક બારી શોધે એમ મેં પણ જવાબ આપ્યો.

સારવાર દરમિયાન અનેક ચઢાવ ઉતાર આવ્યા, બીમારી ક્યારેક વધે તો ક્યારેક ઘટે. પણ દર્દીનો મારી પ્રત્યેનો વિશ્વાસ હંમેશા અડગ રહ્યો અને એજ મારી સફળતાની ચાવી બની. જ્યાં જરૂર પડી ત્યાં મારા કરતા અનુભવી મિત્રોનું માર્ગદર્શન પણ મેળવ્યું. આખરે 12 થી 13 મહિનાની સારવાર બાદ બાળક પોતાની બીમારીથી મુક્ત થયું ને સાથે જ માતાપિતાની ડિપ્રેશન લની દવાઓ પણ બંધ થઈ.

મિત્રો, આ સત્યઘટના અહીં લખવાનો હેતુ એ બાળક બીમારીથી મુક્ત થઈ સ્વસ્થ થયું એ નહિ પણ તેનો મારા પરનો વિશ્વાસ એવો હતો કે જેણે મને આજે ડોકટર હોવા પર ગર્વનો અનુભવ કરાવ્યો. 

આજકાલ ભગવાનનું બીજું સ્વરૂપ મનાતા ડોક્ટરોમાં ઘટતી જતી માનવતા તેમજ દર્દીઓનો ડૉક્ટર પરનો અવિશ્વાસ એ ડોક્ટર અને દર્દી વચ્ચે એક ઉંડી ખાઈ સમાન છે અને એ દર્દી મારો આભાર માને એના કરતા અનેક ગણો હું એનો આભારી છું. 

-

By,
ડો. અલ્તાફ શેરસીયા (MD - Ayu)
Relief Hospital 
wankaner
M : 90334 57226

15.12.18

ડોકટર્સ ડાયરી : ".. સાહેબ, અહિં સારું લાગે છે મને મારા દીકરા જેવો જ દીકરો મળી ગયો છે.. "

aapnu wankaner - wankaner - wankaner news - dr altaf sherasia

આજકાલ લોકોમાં એક આદત બહુ સામાન્ય રીતે જોવા મળી રહી છે અને તે એ કે તેઓ કોઈના વિશે પૂરું જાણ્યા વિના તેના વિશે મંતવ્ય બાંધી લે છે અથવા નજરે જોયેલ દ્રશ્યને જ હકીકત માની લે છે પરંતુ દરેક વખતે એવું નથી હોતું. ક્યારેક એવું પણ બને કે નજરે જોયેલ દ્રશ્ય પાછળ હકીકત કઇંક જુદી જ હોય. 

આવી જ એક ઘટના મારી તાજેતરની વાંકાનેરનાં વૃદ્ધાશ્રમ ખાતેની મુલાકાત દરમિયાન બની. 

વૃદ્ધાશ્રમનાં એક રૂમમાં હું ત્યાંના વડીલોની વિઝીટ કરી રહ્યો હતો મેં બારીમાંથી જોયું કે એક આલીશાન ફોર્ચ્યુનર ગાડી વૃદ્ધાશ્રમ પાસે ઉભી રહી અને તેમાંથી ઓફિસર જેવું વ્યક્તિત્વ ધરાવતો એક માણસે એક ઘરડા માજીને લઈને વૃદ્ધાશ્રમમાં એન્ટ્રી કરી. સાથે આશરે 18 વર્ષનો એક યુવાન દીકરો અને મોંઘોડાટ ડ્રેસ પહેરેલ અને લાગણીશુન્ય દેખાતા એક બહેન. (આ દ્રશ્ય જોયું અને તરત જ મગજમાં જાણે પ્રશ્નોની હારમાળા સર્જાઇ મનમાં જ એ વ્યક્તિ પ્રત્યે ધિક્કારની ભાવના જાગી. પણ કંઈ બોલવુ કે પૂછવું શક્ય ન હતું એટલે મૌન રહ્યો) 

કારણ કે હું અઠવાડિયામાં બે-ત્રણ વાર વૃદ્ધાશ્રમનાં દર્દીને જોવા માટે જતો જ હોઉં છું એટલે એ માજી સાથે મુલાકાત સંભવિત જ હતી.

એ માજી લાગતા તો સુખી ઘરના હતા પણ અહીં કેમ આવ્યા હશે ? એમના ચહેરા લાગણી શુન્ય કેમ હતા ? માજી પણ કંઇ ખાસ ઉદાસ લાગતા ન હતા ? રાત્રે સુતા પહેલા મગજમાં સતત આ બધા પ્રશ્નોનો મારો ચાલ્યો. હવે પછીની વિઝિટમાં એ માજી ચેક અપ માટે આવે એટલે બધું જ પૂછી લઈશ એવું પોતાની જાતને આશ્વાસન આપી સુઈ ગયો.

બીજી જ વિઝિટમાં જેવો વૃદ્ધાશ્રમમાં પ્રવેશ્યોને માજીને વેઇટિંગ રૂમમાં બેઠેલા જોયા એટલે ભૂલમાં જાણે કોઈ પ્રશ્ન સાચો પડે ને જે ખુશી થાય એવો અનુભવ થયો. (કોઈ દર્દીને જોઇ ખુશ થવું એ યોગ્ય નથી પણ દર્દીના દુઃખને મારી આજીવિકા બનાવવાનું હુનર પણ અલ્લાહ તરફથી મને મળેલ છે). 

"કાકા આ માજીને છેલ્લે રાખજો નવા છે એટલે સમય લાગશે ચેક-અપ કરવામાં.. " (વૃદ્ધાશ્રમનાં વડીલોની સારસંભાળ રાખતા કાકાને મેં કહ્યું)

"હા સાહેબ વાંધો નહીં..." (કાકાએ સહજતાથી જવાબ આપ્યો)

આટલા સુખી ઘરના માજી ને અહીં આવીને કેવું લાગતું  હશે એ દુઃખી તો નઇ હોય ને ? હસતાં-હસતાં ચેક કરાવવા આવેલ માજીને જોઈને એ વિચાર જાણે અર્થહીન બની ગયો ! 

" માજી ક્યાંના છો ? અને અહીં કેવું લાગે છે ? કંઈ જૂની તકલીફ ..? " (એકજ શ્વાસે મેં ખચકાટ સાથે પૂછ્યુ) 

" ડૉક્ટર સાહેબ, અહીં સારું લાગે છે મને મારા દીકરા જેવો જ દીકરો મળી ગયો છે.." (જવાબ સાંભળી મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ.. જાણે મારા ઓબ્ઝર્વેશનમાં કોઈ તથ્ય જ ના હોય !)

" તો માજી એ મુકવા આવ્યો એ તમારો દિકરો નહતો ?.."

" ના સાહેબ, એ મારા દીકરાનો મિત્ર હતો જેણે મારું બહુ ધ્યાન રાખ્યું છે.." (માજીનાં ઘા માં નમક છીડકવા સમાન મેં આગલો પ્રશ્ન પૂછ્યો)

મારા આ પ્રશ્ને જાણે એમનું સ્મિત છીનવી લીધુ. એક ક્ષણ પહેલા હસીને વાત કરતાં માજીનાં ચેહરા પર દુઃખની લીટી સ્પષ્ટ દેખાઈ આવી. હું કંઈ સમજું એ પહેલા જ માજી બોલ્યા.

" સાહેબ, મારા દીકરાએ અંગત કારણથી પોતાનું જીવન ટૂંકાવી દીધું અને એનાં આ સુદામા જેવા મિત્રએ મારી ખૂબ જ સેવા કરી છે.." 

" તો અહીં કેમ આવ્યા ..? " (મેં પૂછ્યું) 

" સાહેબ, હવે ઉંમર થઇ ગઇ એટલે મારી ઉંમરનાં વૃદ્ધો સાથે આધ્યાત્મિક જીવન જીવવા મેં જાતે જ અહીં આવવાનો નિર્ણય લીધો.. "

આ જવાબ સાંભળીને મારા વિચારો પર મને જ નફરત થવા લાગી. એક સજ્જન વિશે પુરૂ જાણ્યા વગર જ મેં એમનાં વિશે શું - શું વિચારી લીધું હતું ...

આ વાંકાનેરનાં વૃદ્ધાશ્રમનો મારો જાત અનુભવ છે જે સ્પષ્ટ શીખવે છે કે કોઈ વ્યક્તિ, પરિસ્તીથી કે દ્રશ્ય જોઈ કોઈનાં વિશે મંતવ્ય ન બાંધી લેવું જોઈએ બની શકે વાસ્તવિકતા એથી સાવ ઉલટી પણ હોય.
 -

By,
ડો. અલ્તાફ શેરસીયા (MD - Ayu)
Relief Hospital 
wankaner
M : 90334 57226

25.11.18

ડોકટર્સ ડાયરી : રાત્રીનાં 2 વાગ્યે અચાનક મારી હોસ્પિટલની ડોર બેલ ઉપરા ઉપરી વાગી....

wankaner - aapnu wankaner - Dr altaf sherasia - relief hospital wankaner

એ દિવસે 17 જાન્યુઆરીનો દિવસ હતો. રાત્રીનાં 2 વાગ્યે અચાનક મારી હોસ્પિટલની ડોર બેલ ઉપરા ઉપરી વાગી નીચે જઇને જોયું તો એક જાણીતો રીક્ષાવાળો એક બહારનાં મજુર દર્દીને લઈને આવ્યો હતો. સાથે એક વરસનું નાનું બાળક ખૂબ જ તાવ (105F) બાળક લગભગ અર્ધબેભાન જેવી અવસ્થામાં હતું. ધબકારા તેમજ શ્વાસ ખૂબ જ વધેલા, લોહીમાં ઓક્સીજન લેવલ પણ ઓછું હતું સાથે ચિંતાગ્રસ્ત માતા પિતા..!! (સામાન્ય ભાષામાં મગજમાં તાવ ચડયો એવું કહેવાય) 

એ જ રાત્રે હોસ્પિટલમાં કોઈ સ્ટાફ પણ હાજર નહીં થોડી વાર માટે થયું કે આને આગળ સારવાર માટે મોકલી દઉં. જેવી મેં સલાહ આપી કે તરત જ રીક્ષાવાળા ભાઈ બોલ્યા, " સાહેબ 3 જગ્યાએ ફરીને આવ્યો છું દોઢ કલાકથી દર્દીને લઇને ફરું છું "

" એ ડોક્ટરે શું કહ્યું ? " મેં સહજતાથી પૂછ્યું .. !!! 

" આગળ સારવાર માટે બીજે લઇ જવા પડશે એવું કીધું સાહેબ... "

આને કહેવાય ધર્મસંકટની સ્થિતિ !!! 

એક મિનિટ માટે હું એ દ્વિધામાં હતો કે દર્દીની સારવાર કરું કે કેમ ? જો સારવાર ચાલુ કરું અને ઈન્જેકશનની અસર આવતા પહેલા જ કોઈ કોમ્પ્લિકેશન થાય તો પણ દર્દીનાં સગા-વહાલાંને એવો આક્ષેપ કરતા સમય ના લાગે કે સાહેબે ખોટું ઈન્જેકશન આપી દીધું અને હોસ્પિટલ માથે લઇ લે. (આ એક કડવું સત્ય છે) અને જો પોતાની સેફટીને ધ્યાનમાં રાખી સારવાર કરવાની ના પાડું તો મને દયાહીન, ક્રૂર જેવા અનેક અલંકારીક શબ્દોથી નવાજવામાં આવે !!!

આખરે થોડી હિંમત કરી બાળકની સોય નાખી સારવાર ચાલુ કરી. એકબાજુ સારવાર ચાલુ અને બીજી બાજુ દર પાંચ-પાંચ મીનીટે બાળકનાં માતા-પિતાનાં પ્રશ્નોનો જવાબ આપવો કે સાહેબ ક્યારે તાવ ઊતરશે ? શ્વાસ ક્યારે ઓછો થશે ?

દોઢ કલાકની સારવાર પછી બાળકને પૂરતું ભાન આવ્યું તાવ ઉતર્યો અને શ્વાસ નોર્મલ થયો. સાથે મારો પણ શ્વાસ સામાન્ય થયો અને રાહતનો દમ લીધો. એ મજુર  દર્દીએ મને જેટલી ફી આપી એના કરતાં એની સારવારનો ખર્ચ વધારે હતો પણ એ બાળકનું હસતું મોઢું અને માતા-પિતાનાં આશીર્વાદ એ આજે મને મારી ફી કરતા પણ વધારે ખુશી આપી હતી.

દર્દીએ હસતા મોઢે રજા લીધી પણ એક વિચાર સતત મગજમાં આવતો રહયો કે.. (આ લખવાનો હેતુ હવે કહું છુ..)

1. દર્દીએ સારવારમાં ખૂબ જ મોડું કર્યું હતું અને જો એ દર્દીને ઇન્જેકશનની અસર આવતા પહેલા જ કાંઈ તકલીફ થાત તો શું ? એ સહજતાથી સ્વીકારી લેત કે રાત્રે ઉઠી સાહેબે સારવાર તો બરાબર જ કરી પણ આપણે મોડા પહોંચ્યા.... ?

આ સવાલનો જવાબ જે લોકો એ આ પોસ્ટ પુરી વાંચી છે એ આપે. 

 -
By,
ડો. અલ્તાફ શેરસીયા (MD - Ayu)
Relief Hospital 
wankaner
M : 90334 57226