- જો તમે વાંકાનેરના છો તો તમને એ જાણીને નવાઈ લાગશે કે વિશ્વપ્રસિદ્ધ એવા ગીર નેશનલ પાર્કમાં ફરજ બજાવતા અને દેશભરમાં સિંહોના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર તરીકે ગણના પામતા એવા ડો. રિયાઝ અહેમદ કડીવાર મૂળ વાંકાનેરના પીપળિયારાજ ગામના વતની છે.
- હાલમાં જ રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા માચીયા સફારી પાર્ક ખાતે એક સિંહબાળનું નામ આ ડો. રિયાઝ અહેમદ કડીવારના નામ પરથી જ " રિયાઝ " રાખવામાં આવ્યું છે. અને એ શા કારણે ? આવો જાણીએ..
રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા માચીયા સફારી પાર્કમાં આજકાલ નવ મહિનાનું એક રૂડું-રૂપાળું સિંહબાળ "રિયાઝ" તેના મોટાભાઈ જોડે મોજ મસ્તીથી જીવન વિતાવી રહ્યું છે. પણ જો મૂળ વાંકાનેર (પીપળિયારાજ ) ના અને હાલ ગીર નેશનલ પાર્ક ખાતે ફરજ બજાવતા ડોક્ટર રિયાઝ અહેમદ કડીવાર ન હોત તો આજે કદાચ એ સિંહબાળ જીવિત ન હોત.
જાન્યુઆરી 2016 માં ગુજરાતના ગીર નેશનલ પાર્કથી જોધપુરનાં માચીયા સફારી પાર્કમાં સિંહની એક જોડ લાવવામાં આવી હતી. સિંહણ "આરટી" અને અને સિંહ "જીએસ" ને ત્યાં ગત 12/52017 નાં રોજ બે સિંહબાળનો જન્મ થયો હતો. જેમાંથી એક સિંહબાળ મૃત્યુ પામતા હતાશ થયેલી સિંહણે પોતાના બીજા સિંહબાળની સાર-સંભાળ લેવાનું અને દૂધ પીવડાવવાનું બંધ કરી દેતા એ સિંહબાળ દિવસે - દિવસે વધુ ને વધુ બીમાર પડવા લાગ્યું.
પરીસ્તીથી એટલી ગંભીર બની ગઈ કે સિંહબાળે પોતે પણ ખોરાક લેવાનો બંધ કરી દીધો. તેવામાં નાની વયના સિંહબાળોને ખોરાક તરીકે આપવામાં આવતો અમેરિકન મિલ્ક પાવડર એકમાત્ર ખોરાક રહ્યો. પણ તે પાવડરનો જથ્થો પણ ખૂટી ગયો અને હવે અમેરિકાથી તે મિલ્ક પાવડર મંગાવવાની જરૂરત ઉભી થઇ. અને જો સિંહબાળની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો તેનું મૃત્યુ થઇ શકે તેમ હતું.
![]() |
| સિંહોના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર તરીકે સેવા આપતા ડો. રિયાઝ અહેમદ કડીવાર . |
તેવા અણીનાં સમયે સિંહોના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરમાં ગણના પામતા અને ગીર નેશનલ પાર્ક જૂનાગઢમાં ફરજ બજાવતા ડો. રિયાઝ અહેમદ કડીવારએ સિંહબાળને બચાવવાનું બીડું ઝડપ્યું. ડો. કડીવાર સાથે જયારે માચીયા સફારી પાર્કના અધિકારીઓએ સંપર્ક સાધ્યો. અને કહ્યું કે હવે સિંહબાળને જીવિત રાખવાનો એક જ ઈલાજ છે અને તે છે અમેરિકન મિલ્ક પાવડર અને જે હાલ માચીયા સફારી પાર્કમાં ઉપલબ્ધ નથી. ત્યારે ગંભીરતાને અનુલક્ષી ડો. રિયાઝ કડીવાર પોતે રાતોરાત ગુજરાત - રાજસ્થાન બોર્ડર પાસે આવેલા પાલનપુર જવા નીકળ્યા અને જોધપુર માચીયા સફારી પાર્કની એક ટીમને પણ પાલનપુર આવવા જણાવ્યું.
તાબડતોબ ડો. રિયાઝ અને માચીયા સફારી પાર્કની ટીમ પાલનપુર ખાતે મળ્યા અને ડો. રિયાઝે તેમને જૂનાગઢના ગીર નેશનલ પાર્કમાંથી લાવેલો અમેરિકન મિલ્ક પાવડરનો જથ્થો સોંપ્યો. માચીયા સફારી પાર્કની ટીમે જોધપુર પહોંચી સિંહબાળને ખોરાક આપવાનું શરૂ કર્યું.
બીજી તરફ સિંહબાળની નાદુરસ્ત તબિયતથી ચિંતાતુર ડો. રિયાઝ અહેમદ કડીવાર બીજા જ દિવસે પોતે ફરજ પર કાયદેસર રજા લઇ ખાનગી વાહન લઇ માચીયા સફારી પાર્ક પહોંચ્યા અને સિંહબાળની રૂબરૂ સારવાર કરી. એટલું જ નહિ ત્યાં 24 કલાક રોકાયા. બાદમાં ફરી જૂનાગઢ આવી ગયા.
ડો. રિયાઝ કડીવારની સઘન સારવાર અને તાત્કાલિક સહયોગના કારણે થોડા જ દિવસોમાં સિંહબાળ સ્વસ્થ થવા લાગ્યું. અને હવે તે સંપૂર્ણ તંદુરસ્ત પણ થઇ ગયું છે.
![]() |
| નવ મહિનાનું સિંહબાળ " રિયાઝ " જોધપુરના માચીયા સફારી પાર્ક ખાતે |
આ પહેલા પણ બની હતી આવી જ એક ઘટના
એક સિંહબાળનું નામ તેની સારવાર કરનારનાં નામ પરથી રખાયું હોય તેવી આ પહેલા પણ એક ઘટના અહીં ઘટી ચુકી છે. જાન્યુઆરી 2016 માં ગુજરાતના ગીર નેશનલ પાર્કથી જોધપુરનાં માચીયા સફારી પાર્કમાં લાવવામાં આવેલ સિંહણ "આરટી" અને અને સિંહ "જીએસ" ને ત્યાં જયારે 24/10/2016 નાં રોજ જયારે પહેલી વખત બે સિંહબાળનો જન્મ થયો હતો તે સમયે પણ બે પૈકી એક સિંહબાળનું મૃત્યુ થયું હતું જયારે બીજું સિંહબાળ નબળું હતું. જે તે સમયે એ સિંહબાળની યોગ્ય સારવાર માટે માચીયા સફારી પાર્ક પાસે કોઈ ખાસ બંદોબસ્ત ન હતો.
તેવા સમયે માચીયા સફારી પાર્ક રેસ્ક્યુ સેન્ટરના ડો. શ્રવણસિંહ રાઠોડનાં આગ્રહથી સ્થાનીય કૈલાશ હોસ્પિટલના માલિક એવા ડો. એસ.પી.સિંહે સતત ત્રણ દિવસ સુધી સિંહબાળને પોતાની નર્સરીમાં રાખ્યું અને સંપૂર્ણ ટ્રીટમેન્ટ કરી. જયારે સિંહબાળ સાજું થઇ ગયું ત્યારે માચીયા સફારી પાર્કના અધિકારીઓએ હોસ્પિટલના નામ પરથી જ તેનું નામ " કૈલાશ " રાખ્યું. એ "કૈલાશ " હાલ એક વર્ષ અને ચાર મહિનાનો તથા 65 કિલોનો એક મદમસ્ત જુવાન સિંહ થઇ ગયો છે અને પોતાના નાના ભાઈ " રિયાઝ " જોડે દિવસભર મોજમસ્તી કરતો રહે છે.
![]() | ||
|
શું કહે છે માચીયા સફારી પાર્ક રેસ્ક્યુ સેન્ટરના ડો. શ્રવણસિંહ
માચીયા સફારી પાર્ક રેસ્ક્યુ સેન્ટરના ડો. શ્રવણસિંહ બન્ને સિંહનાં નામ અંગે જણાવે છે કે "રિયાઝ" અને "કૈલાશ" બન્ને આજે અમારી વચ્ચે ડો. રિયાઝ અહેમદ કડીવાર અને કૈલાશ હોસ્પિટલના ડો. એસ.પી.સિંહ ના કારણે છે. એકે જયારે સિંહબાળ બચાવવા પોતાની હોસ્પિટલ આપી હતી જયારે બીજાએ દેશના સૌથી મોટા નેશનલ પાર્કમાં કાયદેસર રજા લઈ છેક રાજસ્થાન સુધી પહોંચી સિંહબાળને સારવાર આપી હતી. એ અમારા માટે ગર્વની વાત છે.
ડો. રિયાઝ કડીવાર દેશભરનાં સિંહો માટે..
મૂળ (પીપળિયારાજ) વાંકાનેરના વતની અને ગીર નેશનલ પાર્ક ખાતે સિંહોના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર તરીકે સેવા આપતા ડો. રિયાઝ અહેમદ કડીવાર (મો 97277 27866) ફક્ત ગીર નેશનલ પાર્ક કે માચિયા સફારી પાર્ક પૂરતી જ સેવા નથી આપતા. તેઓ લગભગ ભારતભરમાં જયાં પણ સિંહને કોઈ શારિરીક તકલીફ હોય ત્યાં સારવાર કરવા પહોંચી જાય છે. અત્યાર સુધીમાં તેઓ ઇટાવા લાયન સફારી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનના જોધપુર ઝુ, ઉદયપુર ઝુ, કર્ણાટકનાં મૈસુર ઝુ માં પણ સિંહોની સારવાર કરવા ગયેલા છે. તે ઉપરાંત જ્યાં તાત્કાલિક પહોંચવું અઘરું હોય તેવા સ્થળોએ સિંહોની સારવાર સંબંધી ટેલીફોનીક સલાહ પણ આપતા રહે છે. હજુ ગયા માસમાં બાંધવગઢ નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ ખાતે રેસ્કયુ ઓપરેશન કરી બચાવવામાં આવેલા વાઘનાં બે બચ્ચાને પણ ડો.રિયાઝે મીલ્ક ફોર્મ્યુલા થકી સફળ સારવાર કરી હતી.



