Showing posts with label Real Hero. Show all posts
Showing posts with label Real Hero. Show all posts

5.4.18

રિયલ હીરો : જરૂરિયાતમંદ દર્દીઓની અનોખી સેવા કરતા વાંકાનેરના અબ્બાસ ભારમલ સાથે એક મુલાકાત

wankaner - aapnu wankaner - wankaner city - wankaner news (3 Abbas bharmal wankaner

કહેવાય છે ને કે સારું કામ કરતા વાર નથી લાગતી પણ સારું કામ કરવું જોઈએ તેવો વિચાર આવતા વર્ષો લાગી જાય છે. 

અહીં આપણે વાંકાનેરનાં એક એવા યુવાનની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે સારું કામ કરવાનો ફક્ત વિચાર જ ન કર્યો પરંતુ પોતે એ કામ શરૂ પણ કરી બતાવ્યું. 

અબ્બાસ શબ્બીરહુસેન ભારમલ નામનો વાંકાનેરનો આ યુવાન છેલ્લા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ દર્દીઓને જરૂર હોય ત્યાં સુધી વ્હિલ ચેર, વોકર, સ્ટ્રેચર, ઇલેક્ટ્રિક બેડ અને ટોયલેટ ચેર જેવા મેડિકલ સાધનો એક પણ રૂપિયો લીધા વિના મફત પુરા પાડી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ વધુ ને વધુ લોકોને મળે તથા અન્યોને પણ આવું કાર્ય કરવાની પ્રેરણા મળે તે હેતુથી " આપણું વાંકાનેર " દ્વારા અબ્બાસ ભારમલ સાથે મુલાકાત કરવામાં આવી હતી. અહીં તેમની સાથે થયેલ વાતચીતના અંશો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. 

Q - આ સેવાકાર્યની શરૂઆત કઈ રીતે કરી ? 
A - તેની શરૂઆત એક એક્સિડન્ટથી થઈ હતી. બન્યું એવું કે મારા પપ્પા શબ્બીરહુસેન ભારમલ અમારી દુકાને કામ કરતા કરતા પડી ગયેલા અને એમને થાપાનું હાડકું તૂટી ગયું. ઓર્થોપેડિક ઈલાજ બાદ પપ્પાનું હાલવા ચાલવાનું ચાલુ રહે તે માટે વોકરની જરૂરત ઉભી થઇ. મેં શહેરભરમાં શક્ય તેટલી કોશિશ કરી કે ક્યાંક આવી વોકર હોય તો હું ભાડે લઇ આવું. પરંતુ ક્યાંય ન મળતા છેવટે મેં પપ્પા માટે નવી વોકર ખરીદી લીધી. ત્યારે મને વિચાર આવ્યો હતો કે હું તો સામાન્ય પરિવારમાંથી આવતો હોવાથી મારા માટે નવી વોકર ખરીદવી બહુ અઘરું નથી પણ કોઈ ગરીબ પરિવારમાં આવી ઘટના ઘટી હોય તો... ? જ્યાં ઈલાજ કરવાના રૂપિયાના પણ ફાંફાં હોય તે લોકો દર્દી માટે નવી વોકર ક્યાંથી ખરીદી શકવાના ? પણ જે તે સમયે એ વિચાર ફક્ત વિચાર જ રહ્યો

ત્યારબાદ 2014 માં 66 વર્ષની વયે જ્યારે મારા પપ્પાનું દુઃખદ અવસાન થયું અને તેમની વરસીનો સમય આવ્યો ત્યારે નાત-જમણ કરવાને બદલે મેં તે રકમમાંથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં આવે તેવા સાધનો વસાવી પપ્પાનાં ઇસાલે સવાબ માટે ઉપરોક્ત સેવાકાર્યની શરૂઆત કરી. 

Q - આ માટે કોઈનો આર્થિક સહયોગ મળ્યો ?
A - ના, અસલમાં મેં ક્યાંયથી આર્થિક સહયોગ માંગ્યો પણ નથી. પપ્પાનાં અવસાન બાદ તેમની વરસીનું નાત-જમણ કરવાના બદલે એ રકમનો જ ઉપયોગ કરવાનું મેં નક્કી કર્યું હતું અને તે રકમમાંથી જ મેડિકલ સાધનો ખરીદ્યા. હા, આ માટે મારા ખાસ મિત્ર અને રાજકોટ ખાતે મેડિકલ સ્ટોર ધરાવતા અકબરભાઈ પટેલે મને મેડિકલ સાધનો વ્યાજબી ભાવે મળી રહે તે માટે ખૂબ મદદ કરી જે માટે હું એમનો આભારી છું. 

Q - આ સેવાકાર્ય માટે ફેમિલી સપોર્ટ કેવો મળ્યો ? 
A - જો કે આ કાર્ય સાથે મારો કોઈ પણ પ્રકારનો આર્થિક ફાયદો જોડાયેલ નથી તેમ છતાં મારા ફેમિલી ઉપરાંત મારા ફ્રેન્ડ સર્કલમાંથી પણ મારા આ કામને બિદરાવવામાં આવ્યું. મારા મરહુમ પપ્પાને તેનો ઇસાલે સવાબ મળે તે હેતુ જ આ ટોટલ નિઃસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.  

Q - અત્યાર સુધીમાં કેટલા દર્દીઓને લાભ પહોંચ્યો હશે આપની આ સેવા પ્રવૃત્તિથી ?
A - મેં 2015 માં આ પ્રવૃત્તિની શરૂઆત કરી હતી ત્યારથી વાંકાનેર શહેર અને ગ્રામ્ય પંથક મળી અત્યાર સુધીમાં લગભગ 400 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને અમે ઉપયોગી થયા છીએ. 

અબ્બાસ ભારમલ જરૂરિયાતમંદ દર્દીને વ્હિલ ચેર, વોકર, સ્ટ્રેચર,
ઇલેક્ટ્રિક બેડ અને ટોયલેટ ચેર જેવા મેડિકલ સાધનોની વિનામૂલ્યે મદદ કરે છે

Q - ઉપરોક્ત સાધનો માટે તમે કોઈ ભાડું કે ડિપોઝીટ લ્યો છો ?
A - ના, કોઈપણ જરૂરિયાતમંદ દર્દીને જો વ્હિલ ચેર, વોકર, સ્ટ્રેચર, ઇલેક્ટ્રિક બેડ અને ટોયલેટ ચેર જેવા મેડિકલ સાધનોની જરૂર પડે તો તેના માટે કોઈ પણ પ્રકારનું ભાડું નથી લેવામાં આવતું. અલબત્ત સાધનની બજાર કિંમત અનુસાર 500 થી 3000 રૂપિયા ડિપોઝીટ પેટે લેવામાં આવે છે જે રકમ દર્દી સાધનનો ઉપયોગ કરી લે અને પાછું આપે તે સમયે પૂરેપૂરી રકમ પરત આપી દેવામાં આવે છે. એટલે કે દર્દીને કોઈ પણ પ્રકારનો આર્થિક બોજ નથી પડતો. 

Q - દર્દીઓ તરફથી કેવો પ્રતિભાવ મળ્યો ?
A - આપણી આજુબાજુ એવા ઘણા લોકો રહે છે જેઓ પાસે ઈલાજ અને દવાના પૈસા પણ નથી હોતા એવા લોકો જ્યારે મારી પાસે મેડિકલ સાધનો લેવા અને ઉપયોગ કર્યા બાદ પરત દેવા આવે છે ત્યારે ભાવુક થઈ દુઆઓ પણ આપતા જાય છે અને આ કાર્યની સરાહના પણ કરે છે. 

જરૂરિયાતમંદ દર્દીઓને ઉપરોક્ત સાધનોની જરૂર હોય તો
અબ્બાસ ભારમલને  (99741 61252) પર સંપર્ક કરી શકે છે
 

Q - જો આ કાર્યમાં કોઈ તમારા સહભાગી બની યોગદાન આપવા ઈચ્છે તો આપી શકે ?
A - જો કે અમે કોઈ પાસેથી ડોનેશન કે દાન સામેથી નથી સ્વીકારતા પરંતુ જે કોઈ સ્વેચ્છાએ કે પોતાના મરહુમ (સ્વર્ગસ્થ) વ્યક્તિનાં ઇસાલે સવાબ અર્થે સહયોગ આપવા ઈચ્છે તો આપી શકે. હાલમાં જ અમારા એક મિત્ર તરફથી તેમના મરહુમનાં ઇસાલે સવાબ અર્થે એક હોસ્પિટલ બેડ અમને આપવામાં આવ્યો હતો જેથી જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઇ શકે. 

Q - હાલ અત્યારે તમારી પાસે કેટલા મેડિકલ સાધનો ઉપલબ્ધ છે ? 
A - હાલ અમારી પાસે 9 ટોયલેટ ચેર, 1 બેડ (ડોનેટેડ), 8 વોકર, 5 સપોર્ટ માટેની લાકડી, 1 સ્ટ્રેચર, 6 ટોયલેટ પોટ અને 1 ઇલેક્ટ્રિક બેડ ઉપલબ્ધ છે અને ધીમે ધીમે વધારે સાધનો વસાવી વધુ ને વધુ લોકોને ઉપયોગી થઈ શકાય તેવા પ્રયાસો કરીશું. 

Q - લોકો તમારો સંપર્ક કઈ રીતે કરી શકે ?
A - જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેડિકલ સાધનોની આવશ્યકતા તો મારા મોબાઈલ નંબર - 99741 61252 પર ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. એ સિવાય મુહમ્મદી હાર્ડવેર, મેઈન બજાર ખાતે મને રૂબરૂ પણ મળી શકો છો.

 જો તમારી આસપાસ પણ કોઈ વ્યક્તિ આ રીતે દંભ-દેખાડા વિના નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા હોય તો નીચે દર્શાવેલ નંબર પર લેખકનો સંપર્ક કરી માહિતી આપી શકો છો. 

  લેખક વિષે ↴  

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | Beyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે. 
સંપર્ક :  - 9898 11 3634 

29.3.18

રિયલ હીરો : વાંકાનેર શહેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર RP જાડેજા સાથે એક મુલાકાત


" મારા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેના ફરજકાળ દરમિયાન વાંકાનેરની પ્રજા તરફથી જેટલો પ્રેમ અને સહકાર મળ્યો છે તેટલો મને ક્યાંય નથી મળ્યો, રિયલી અનબિલીવેબલ... "
" વાંકાનેર શહેરમાં ક્યાંય પણ લુખ્ખાઓની દાદાગીરી હોય, રોમિયોગીરીનો ત્રાસ હોય તથા દારૂ કે જુગાર જેવી બદી હોય શહેરનો કોઈપણ સામાન્ય નાગરિક ફરિયાદ માટે ડાયરેકટ મારા મોબાઈલ નંબર પર નિર્ભયપણે સંપર્ક કરી શકે છે... " 

આ શબ્દો છે વાંકાનેરનાં શહેર પીએસઆઇ RP જાડેજા નાં...

ગત માસમાં જ એટલે કે ફેબ્રુઆરી 2018 માં વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણુંક પામેલા RP જાડેજા (રામદેવસિંહ પી. જાડેજા) એ ફરજ સાંભળ્યાનાં માત્ર દોઢ મહિનાના સમયગાળામાં જ વાંકાનેર શહેરની પ્રજામાં સારી એવી લોકચાહના મેળવી છે.

ramdevsinh jadeja psi wankaner city - wankaner - wankaner city - aapnu wankaner - wankaner police
વાંકાનેરની પ્રજા તરફથી મને જેટલો પ્રેમ અને સહકાર મળ્યો છે
તેટલો મને ક્યાંય નથી મળ્યો : RP જાડેજા
 
લોકોને પણ હવે શહેરમાં પોલીસનું અસ્તિત્વ હોય તેવું લાગી રહ્યું છે. વાંકાનેરનાં પુલ દરવાજા, સિંધાવદર દરવાજા  અને જરૂરિયાત મુજબ અન્ય વિસ્તારોમાં પોલીસ જવાનો દેખાતા થયા છે. રાત્રે 12 વાગ્યા પછી કામ વિના ઉજાગરા કરતા નિશાચરો પણ હવે સમયસર ઘર ભેગા થઈ જાય છે એ સિવાય PSI RP જાડેજા ખુદ પોતે પણ નાઈટ પેટ્રોલિંગ કરી અમરસર ફાટકે મુકામ રાખી શહેરની સરહદને સુરક્ષિત રાખતા જોવા મળે છે. 

PSI RP જાડેજાએ પોતાની કામગીરીથી એક સારા અધિકારી જો પોતાની " માત્ર ફરજ " નિભાવે તો પણ પ્રજામાં કેવી લોકચાહના મેળવી શકે તેનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. 

જો કે કોઈ અધિકારીનાં બે-ત્રણ કામોથી પ્રભાવિત થઈ જઈ ચમચાગીરી શરૂ કરી દેવી એ પણ યોગ્ય નથી. RP જાડેજાની વાંકાનેર શહેર PSI તરીકે ચાર્જ સંભાળ્યા બાદની દોઢેક મહિનાની કામગીરીનું નિરીક્ષણ કરતા અગાઉનાં પોલીસ અધિકારી અને આ પોલીસ અધિકારીની કામગીરીમાં જમીન આસમાન જેટલો તફાવત સ્પષ્ટ દેખાઈ આવે છે. 

જેને અનુલક્ષીને "આપણું વાંકાનેર" દ્વારા શહેર PSI RP જાડેજા સાથે એક મુલાકાત ગોઠવાઈ હતી જેમાં તેઓએ પોતાના વિચારો અને મંતવ્ય ખુલ્લા મને રજૂ કર્યા હતા. તેમની સાથે થયેલ સવાલ - જવાબ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. 

Q - તમારું વતન અને તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કઇંક કહો
A - મારુ વતન ધ્રોલ તાલુકાનું રોજીયા ગામ છે અને હું એક ખેડૂતપુત્ર છું. સામાન્ય આર્થિક સ્થિતિના ફેમિલીમાં માતા - પિતા અને બે ભાઈ બે બહેનોમાં હું સૌથી નાનો. પિતા અને મોટાભાઈ બન્ને ખેતીકામ કરે છે અને મેં પોલીસ ફોર્સ જોઈન કરી. 

Q - પોલીસ ફોર્સ જોઈન કરવાનું કારણ શું ? અને તેમાં ફેમિલીનો સપોર્ટ કેવો મળ્યો ?
A - પોલીસ ફોર્સ જોઈન કરવા પાછળ કોઈ એવું મુખ્ય કારણ નહોતું અને કોઈમાંથી પ્રેરણા મળી હોય અને પોલીસ જોઈન કરી હોય એવું પણ નહોતું. અસલમાં મને એવું લાગ્યું કે મારી પોતાની અમુક આદત, સ્વભાવ અને કાર્યશૈલી એવી જ છે જેવી એક પોલીસ અધિકારીની હોવી જોઈએ. બસ ત્યારબાદ પાછું વળીને જોયું નહીં અને અંતે પોલીસ ફોર્સ જોઈન કરી. આ માટે મને ફેમિલીમાંથી સંપૂર્ણ સહયોગ મળ્યો અને તેમાંય ખાસ કરીને મારા મોટાભાઈનો સૌથી વધુ. મને યાદ છે હું મારા ગામ (રોજીયા) માં સૌ પહેલો પોલીસ અધિકારી બન્યો હતો. 

Q - પોલીસ ફોર્સ જોઈન કર્યા પછી કેમ રહ્યું ?
A - પોલીસ ફોર્સ જોઈન કર્યા પછી મારી સૌથી પહેલી સર્વિસ જામનગર ખાતે એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે શરૂ થઈ, ત્યારબાદ મોરબી અને હાલ વાંકાનેર પ્રોબેશનલ પીએસઆઇ તરીકે. 

Q - ક્યારેય એવું બન્યું કે પોલીસ ફોર્સ જોઈન કરવા બદલ અફસોસ થયો હોય ?
A - પોલીસની લાઈફ ઘણી ટફ હોય છે. અમારે પોતાના ઉપરી અધિકારી, પોતાના સ્ટાફ અને પ્રજા વચ્ચે સંતુલન અને સંકલનથી કામ કરવાનું હોય છે. એક પોલીસ અધિકારી પરનું કામનું પ્રેશર અને તેની વ્યથા તમે પોલીસ હોવ તો જ જાણી શકો. તેમ છતાં ક્યારેક એવું પણ બને કે અમે પણ પોલીસ જોબથી હતાશ થઈએ ખાસ કરીને જ્યારે પરિવારને સમય ફાળવી ન શકીએ ત્યારે. 

Q - ફરજ દરમિયાન ક્યારેય ઇમોશનલ થઈ જવાનો પણ પ્રસંગ આવ્યો ?
A - હા, કેમ નહીં ? એક પોલીસ આખરે એક માણસ જ છે. મને યાદ છે જામનગર ખાતે ફરજ દરમિયાન દેશી દારૂના વેચાણ અંગેની બાતમીના આધારે એમ એક ઘર જેવા સ્થાન પર દરોડો પાડ્યો હતો. પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈ મારુ હૃદય દ્રવી ઉઠ્યું હતું એક અંધ અને એક વિકલાંગ બે નાના બાળકો અને તેની બીમાર માં.. કદાચ દેશી દારૂના વેચાણથી જ એમનું ઘર ચાલતું હતું. અમે સામેથી તે પરિવારને આર્થિક સહાય કરી. એ સિવાય પણ આવા ઘણા પ્રસંગો આવ્યા જ્યાં અમે એક પોલીસ અધિકારી તરીકે માનવતા દાખવી હોય. 

ramdevsinh jadeja psi wankaner city - wankaner - wankaner city - aapnu wankaner - wankaner police
RP જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાંકાનેર સીટી 
Q - આપના કોઈ રોલ મોડલ છે ?
A - જી, જામનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રદીપ સેજુલ સર અને મોરબી જિલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોડ સર મારી પોલીસ અધિકારી તરીકેની અત્યાર સુધીની કારકિર્દી માટેના પ્રેરણારૂપ વ્યક્તિ અને રોલ મોડલ રહ્યા છે અને આગળ પણ રહેશે. 

Q - વાંકાનેર શહેરમા આપનો અનુભવ કેવો રહ્યો ? 
A - પોલીસ ફોર્સ જોઈન કર્યા બાદ મેં પહેલા જામનગર બાદમાં મોરબી અને હાલ વાંકાનેર શહેરમાં ફરજ બજાવી પણ મારા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેના ફરજકાળ દરમિયાન વાંકાનેરની પ્રજા તરફથી જેટલો પ્રેમ અને સહકાર મળ્યો છે તેટલો મને ક્યાંય નથી મળ્યો, અદ્દભુત રિયલી અનબિલીવેબલ.. 

Q - રાત્રી દરમિયાન આપના સઘન નાઈટ પેટ્રોલિંગનાં કારણે લોકો આપની પ્રસંશા કરે છે ? શું કહેશો ?
A - ખરેખર મને નવાઈ લાગે છે કે મેં જ્યારે વાંકાનેર શહેર PSI તરીકે ફરજ સંભાળ્યા બાદ મોડી રાત્રે દુકાનો બંધ કરાવવી અને અમથા ઉજાગરા કરતા તત્વોને ઘરભેગા કરવાની કામગીરી કરી તો લોકો પ્રસંશા કરવા લાગ્યા. ખરેખર તો એ પોલીસનું સામાન્ય કામ અને ફરજ છે હું જ્યારે જામનગર અને મોરબી હતો ત્યાં પણ આજ પ્રકારે  કામગીરી કરતો તેમાં પ્રસંશા કરવા જેવું કશું જ નથી.

Q - શહેરની ટ્રાફિક સમસ્યા મુદ્દે તો આપે કામગીરી કરી પણ એ સિવાય પોલીસે શહેરની અન્ય સમસ્યાઓ તરફ પણ ધ્યાન આપવું જોઈએને ? 
A - જુઓ, મેં વાંકાનેર શહેર PSI તરીકે ચાર્જ સંભાળ્યો  તેને હજુ દોઢ મહિનો થયો છે હું પણ ઈચ્છું છું કે વાંકાનેરને સારું અને શાંત સીટી બનાવવા માટે પ્રયત્ન કરું. હું સ્ટેપ બાય સ્ટેપ કામ કરીશ. અને અમે ટ્રાફિક મુદ્દે કામગીરીથી શહેરની ટ્રાફિક સમસ્યા મહદઅંશે હલ કરી છે. પણ એનો અર્થ એવો નથી કે અમે અન્ય સમસ્યાઓ પર ધ્યાન નથી આપતા. અમે શહેરમાં દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ અત્યારે સદંતર બંધ કરાવી દીધી છે આ અંગે તમે જાત તપાસ કરી જાત અનુભવ પણ કરી શકો છો. તેમ છતાં જો ક્યાંય છાને - ખૂણે આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો વાંકાનેરનાં દરેક નાગરિકને અપીલ છે કે અમને જાણ કરે અમે બંધ કરાવીશું. 

Q - શહેરનો સામાન્ય વ્યક્તિ તમારો સંપર્ક કઇ રીતે કરી શકે ? 
A - કોઈપણ વ્યક્તિ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે મને રૂબરૂ મળવા આવી શકે છે અને તે સિવાય ડાયરેકટ મને મારા મોબાઈલ નંબર - 990 900 1102 પર પણ નિર્ભયપણે સંપર્ક કરી શકે છે. 

Q - ડીમોલેશન કામગીરી અંગે શું કહેશો 
A - હા, શહેરમાં નગરપાલિકા અને વાંકાનેર પોલીસના સહયોગથી ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે 80% પુરી થઈ છે પરંતુ જરૂર પડ્યે ફરીથી શરૂ કરીશું. 

Q - ડીમોલેશનની કામગીરી સંદર્ભે લોકોમાં તંત્ર સામે થોડો રોષ પણ છે ? 
A - ડીમોલેશનની કામગીરીથી લોકોમાં રોષ ઉભો થાય જો તમે એકનું દબાણ હટાવો અને બીજાનું ન હટાવો તો. અમે લગભગ દબાણકર્તાઓના દબાણો હટાવ્યા જ છે. ઉલ્ટાનું લોકોએ પણ અમને સહયોગ આપ્યો છે. અને તંત્ર સામે રોષ રહેવા અંગે આપની વાત કદાચ સાચી હોય પણ તે બહુ ઓછા લોકોમાં. 

તમે જુઓ, અમે રાત્રીના નાઈટ પેટ્રોલિંગ કરી મોડે સુધી રાત્રી ઉજાગરા કરનારાને ઘરભેગા કરીએ છીએ તો એમને સારું તો ન જ લાગતું હોય ને. પરંતુ એવા લોકોની સંખ્યા સમાજમાં 0.50% જેટલી જ છે. સારા અને આદર્શ સમાજની વ્યવસ્થા માટે અમારે 99.50% લોકોને ફાયદો થાય એ કામ કરવાનું હોય અને એ જ રીતે અમે ડીમોલેશન કામગીરી કરી. બાકી પોલીસ દરેક લોકોને ગમતી જ હોય તેવું ન બને. પોલીસની કામગીરી એટલે पुलिस की जिंदगी के भी अजीब फ़साने है, यहां तीर भी चलाने है और परिंदे भी  बचाने है......

"આપણું વાંકાનેર" ના ફાઉન્ડર Ilyas Khan અને દમદાર PSI 
RP જાડેજા  @ અમરસર ફાટક પાસે...
Q - લોકો તમારી સરખામણી શહેરનાં પૂર્વ PI શ્રીવાસ્તવ સાહેબ સાથે કરી રહ્યા છે ? તમારી કામ કરવાની પેટર્ન એમના જેવી જ છે
A - હા, વાંકાનેર શહેરનાં PI તરીકે 1999 - 2001ના અરસામાં શ્રીવાસ્તવ સાહેબ હતા અને એમની કામગીરી વિશે આપની પાસેથી જાણ્યું. જો કે મેં તો વાંકાનેર શહેર PSI તરીકે માત્ર મારી ફરજ જ પુરી કરી છે અને તે જ કર્યું છે જે એક પોલીસ અધિકારીએ કરવું જોઈએ. હા, મારી કામ કરવાની પેટર્ન અન્યથી થો..ડી... અલગ છે. 

Q - વાંકાનેરનાં લોકો આપની પાસેથી શું આશા રાખી શકે ?
A - વાંકાનેરના લોકો તરફથી મને ઘણો સહયોગ અને પ્રેમ મળ્યો છે હવે મારે પણ તેમના પ્રેમ અને સહકારનો પોતાની PSI તરીકેની કામગીરીથી બદલો આપવો જોઈએ એવું હું માનું છું. વાંકાનેરના લોકોને હું ખાત્રી આપું છું કે શહેર માટે હું શક્ય તેટલી લોકઉપયોગી કામગીરી કરીશ અને શહેરની સુખાકારી માટે સ્ટેપ બાય સ્ટેપ આવશ્યક પગલાં ભરવા પ્રયત્નશીલ રહીશ જો કે એ માટે અધિકારીને પ્રજાનો સપોર્ટ પણ મુખ્ય પ્રેરણાબળ હોવું જરૂરી છે. 
____________________

 છેલ્લે છેલ્લે .. 
આપણું વાંકાનેરને વિશ્વસનીય પોલીસ સુત્રોમાંથી મળેલા છેલ્લા સમાચાર મુજબ PSI RP જાડેજાનો વાંકાનેર ખાતેનો પ્રોબેશનલ PSI તરીકેનો પિરિયડ પૂરો થવા પર હતો પરંતુ શહેરના અગ્રણીઓએ મોરબી એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબને RP જાડેજાને ફરી વાંકાનેર ખાતે જ PSI તરીકેનો ચાર્જ સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી જેને SP સાહેબે માન્ય રાખતા આ લોકલાડીલા PSI ને ફરીથી વાંકાનેર ખાતે ફરજ સોંપાઈ છે.




  લેખક વિષે ↴  

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.netBeyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે. 
સંપર્ક :  - 9898 11 3634 


  લેખક વિષે ↴  

નામ : Ilyas Khan

પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.netBeyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે. 

સંપર્ક :  - 9898 11 3634 


17.3.18

વાંકાનેર : આને કહેવાય કાર્યદક્ષ અધિકારી, ફક્ત એક ટ્વિટ અને 24 કલાકમાં લોક ફરિયાદનો નિકાલ ..!

wankaner - aapnu wankaner - wankaner city

(By Ilyas Khan), શહેરભરમાં લગભગ દરકે રસ્તાઓની હાલત બિસ્માર છે જેના કારણે તાજેતરમાં જ એટલે કે ગત તારીખ 13/3  ના રોજ રોડ બેસી જવાના કારણે શહેરમાં અલગઃ - અલગ ત્રણ જગ્યાએ પાણીની ભૂગર્ભલાઇન તૂટી હતી અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ઉપરોક્ત જે ત્રણ જગ્યાઓ પર ભંગાણ સર્જાયું હતું તે પૈકી દાણાપીઠ ખાતેનું ભંગાણ મોટું હોવાથી નગરપાલિકાની વોટરવર્કસ શાખાના અશોક રાવલ અને તેની ટીમ દ્વારા તેનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ લોક ફરિયાદને "આપણું વાંકાનેર" પર પણ તારીખ 14/3 ના પ્રકાશિત કરવામાં આવી હતી

wankaner sdm do good job for public issue in wankaner
લોક ફરિયાદ અંગે વાંકાનેર પ્રાંત અધિકારી અને મોરબી કલેક્ટરને ટ્વિટ દ્વારા માહિતગાર કરી યોગ્ય કાર્યવાહી કરવા વિંનતી કરવામાં આવી હતી
જો કે ગ્રીનચોકના મુખ્ય વીજપોલ નજીક થયેલ ભંગાણ રીપેર થયું ન હતું જે અંગે 16/3 ના રોજ " આપણું વાંકાનેર" ના ટ્વિટર હેન્ડલ (@aapnuwankaner)પરથી વાંકાનેર પ્રાંત અધિકારી અને મોરબી કલેક્ટરને ટ્વિટ દ્વારા માહિતગાર કરી યોગ્ય કાર્યવાહી કરવા વિંનતી કરવામાં આવી હતી. જે  સંદર્ભે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા ઉપરોક્ત લોક ફરિયાદને તાત્કાલિક ધ્યાને લેતા બીજા જ દિવસે એટલે કે તારીખ 17/3 ના રોજ ગ્રીનચોક ખાતેની લીકેજ ભૂગર્ભલાઇનનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું. 

લોક ફરિયાદનો ઓનલાઇન પ્રત્યુત્તર આપવાની સાથે સ્થળ પરનું કામ પણ ત્વરિત અને ઝડપી કરાવી આપવા બદલ " આપણું વાંકાનેર " પ્રાંત અધિકારી વાંકાનેર અને કલેક્ટરશ્રી મોરબીનો આભાર વ્યક્ત કરે છે.
wankaner - apnu wankaner - wankaner city - wankaner news
" આપણું વાંકાનેર " દ્વારા ઉપરોક્ત અધિકારીઓ તરફથી તાત્કાલિક અને સરાહનીય કામગીરી બદલ ટ્વિટર પર પણ આભાર વ્યક્ત કરાયો હતો

27.2.18

વાંકાનેરનાં આ ડૉકટરનાં નામ પરથી રાખવામાં આવ્યું છે સિંહબાળનું નામ !

aapnu wankaner - Dr. Riyaz Ahmed Kadivar Gir National Park Junagadh

  • જો તમે વાંકાનેરના છો તો તમને એ જાણીને નવાઈ લાગશે કે વિશ્વપ્રસિદ્ધ એવા ગીર નેશનલ પાર્કમાં ફરજ બજાવતા અને દેશભરમાં સિંહોના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર તરીકે ગણના પામતા એવા ડો. રિયાઝ અહેમદ કડીવાર મૂળ વાંકાનેરના પીપળિયારાજ ગામના વતની છે. 
  • હાલમાં જ રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા માચીયા સફારી પાર્ક ખાતે એક સિંહબાળનું નામ આ ડો. રિયાઝ અહેમદ કડીવારના નામ પરથી જ " રિયાઝ " રાખવામાં આવ્યું છે. અને એ શા કારણે ? આવો જાણીએ.. 


રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા માચીયા સફારી પાર્કમાં આજકાલ નવ મહિનાનું એક રૂડું-રૂપાળું સિંહબાળ "રિયાઝ" તેના મોટાભાઈ જોડે મોજ મસ્તીથી જીવન વિતાવી રહ્યું છે. પણ જો મૂળ વાંકાનેર (પીપળિયારાજ ) ના અને હાલ ગીર નેશનલ પાર્ક ખાતે ફરજ બજાવતા ડોક્ટર રિયાઝ અહેમદ કડીવાર ન હોત તો આજે કદાચ એ સિંહબાળ જીવિત ન હોત. 

જાન્યુઆરી 2016 માં ગુજરાતના ગીર નેશનલ પાર્કથી જોધપુરનાં માચીયા સફારી પાર્કમાં સિંહની એક જોડ લાવવામાં આવી હતી. સિંહણ "આરટી" અને અને સિંહ "જીએસ" ને ત્યાં ગત 12/52017 નાં રોજ બે સિંહબાળનો જન્મ થયો હતો. જેમાંથી એક સિંહબાળ મૃત્યુ પામતા હતાશ થયેલી સિંહણે પોતાના બીજા સિંહબાળની સાર-સંભાળ લેવાનું અને દૂધ પીવડાવવાનું બંધ કરી દેતા એ સિંહબાળ દિવસે - દિવસે વધુ ને વધુ બીમાર પડવા લાગ્યું. 

પરીસ્તીથી એટલી ગંભીર બની ગઈ કે સિંહબાળે પોતે પણ ખોરાક લેવાનો બંધ કરી દીધો. તેવામાં નાની વયના સિંહબાળોને ખોરાક તરીકે આપવામાં આવતો અમેરિકન મિલ્ક પાવડર એકમાત્ર ખોરાક રહ્યો. પણ તે પાવડરનો જથ્થો પણ ખૂટી ગયો અને હવે અમેરિકાથી તે મિલ્ક પાવડર મંગાવવાની જરૂરત ઉભી થઇ. અને જો સિંહબાળની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો તેનું મૃત્યુ થઇ શકે તેમ હતું. 

સિંહોના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર તરીકે સેવા આપતા ડો. રિયાઝ અહેમદ કડીવાર . 
તેવા અણીનાં સમયે સિંહોના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરમાં ગણના પામતા અને ગીર નેશનલ પાર્ક જૂનાગઢમાં ફરજ બજાવતા ડો. રિયાઝ અહેમદ કડીવારએ સિંહબાળને બચાવવાનું બીડું ઝડપ્યું. ડો. કડીવાર સાથે જયારે માચીયા સફારી પાર્કના અધિકારીઓએ સંપર્ક સાધ્યો. અને કહ્યું કે હવે સિંહબાળને જીવિત રાખવાનો એક જ ઈલાજ છે અને તે છે અમેરિકન મિલ્ક પાવડર અને જે હાલ માચીયા સફારી પાર્કમાં ઉપલબ્ધ નથી. ત્યારે ગંભીરતાને અનુલક્ષી ડો. રિયાઝ કડીવાર પોતે રાતોરાત ગુજરાત - રાજસ્થાન બોર્ડર પાસે આવેલા પાલનપુર જવા નીકળ્યા અને જોધપુર માચીયા સફારી પાર્કની એક ટીમને પણ પાલનપુર આવવા જણાવ્યું. 

તાબડતોબ ડો. રિયાઝ અને માચીયા સફારી પાર્કની ટીમ પાલનપુર ખાતે મળ્યા અને ડો. રિયાઝે તેમને જૂનાગઢના ગીર નેશનલ પાર્કમાંથી લાવેલો અમેરિકન મિલ્ક પાવડરનો જથ્થો સોંપ્યો. માચીયા સફારી પાર્કની ટીમે જોધપુર પહોંચી સિંહબાળને ખોરાક આપવાનું શરૂ કર્યું. 

બીજી તરફ સિંહબાળની નાદુરસ્ત તબિયતથી ચિંતાતુર ડો. રિયાઝ અહેમદ કડીવાર બીજા જ દિવસે પોતે ફરજ પર કાયદેસર રજા લઇ ખાનગી વાહન લઇ માચીયા સફારી પાર્ક પહોંચ્યા અને સિંહબાળની રૂબરૂ સારવાર કરી. એટલું જ નહિ ત્યાં 24 કલાક રોકાયા. બાદમાં ફરી જૂનાગઢ આવી ગયા. 

ડો. રિયાઝ કડીવારની સઘન સારવાર અને તાત્કાલિક સહયોગના કારણે થોડા જ દિવસોમાં સિંહબાળ સ્વસ્થ થવા લાગ્યું. અને હવે તે સંપૂર્ણ તંદુરસ્ત પણ થઇ ગયું છે. 

નવ મહિનાનું સિંહબાળ " રિયાઝ " જોધપુરના માચીયા સફારી પાર્ક ખાતે 
સંપૂર્ણ સાજા - નરવાં થઇ ગયેલા આ સિંહબાળનો જયારે નામકરણ કરવાનો સમય આવ્યો ત્યારે સૌ એ ડો. રિયાઝ કડીવારની સારવારને ધ્યાનમાં લઇ સિંહબાળનું નામ  "રિયાઝ" રાખ્યું. જયારે ડો. રિયાઝ કડીવારને આ અંગે જાણ થઇ તો તેમણે કહ્યું કે આ તેમના માટે એક સમ્માનની વાત છે. એક ડોક્ટરની સફળતા હંમેશા એ જ હોય કે કેમેય કરીને કોઈનો જીવ બચાવાય. અને તેઓએ પણ એ જ કર્યું છે. 

આ પહેલા પણ બની હતી આવી જ એક ઘટના 

એક સિંહબાળનું નામ તેની સારવાર કરનારનાં નામ પરથી રખાયું હોય તેવી આ પહેલા પણ એક ઘટના અહીં ઘટી ચુકી છે. જાન્યુઆરી 2016 માં ગુજરાતના ગીર નેશનલ પાર્કથી જોધપુરનાં માચીયા સફારી પાર્કમાં લાવવામાં આવેલ સિંહણ "આરટી" અને અને સિંહ "જીએસ" ને ત્યાં જયારે 24/10/2016 નાં રોજ જયારે પહેલી વખત બે સિંહબાળનો જન્મ થયો હતો તે સમયે પણ બે પૈકી એક સિંહબાળનું મૃત્યુ થયું હતું જયારે બીજું સિંહબાળ નબળું હતું. જે તે સમયે એ સિંહબાળની યોગ્ય સારવાર માટે માચીયા સફારી પાર્ક પાસે કોઈ ખાસ બંદોબસ્ત ન હતો.

" કૈલાશ " (ડાબે) અને " રિયાઝ " (જમણે) માચીયા સફારી પાર્કમાં 
તેવા સમયે માચીયા સફારી પાર્ક રેસ્ક્યુ સેન્ટરના ડો. શ્રવણસિંહ રાઠોડનાં આગ્રહથી સ્થાનીય કૈલાશ હોસ્પિટલના માલિક એવા ડો. એસ.પી.સિંહે સતત ત્રણ દિવસ સુધી સિંહબાળને પોતાની નર્સરીમાં રાખ્યું અને સંપૂર્ણ ટ્રીટમેન્ટ કરી. જયારે સિંહબાળ સાજું થઇ ગયું ત્યારે માચીયા સફારી પાર્કના અધિકારીઓએ હોસ્પિટલના નામ પરથી જ તેનું નામ " કૈલાશ " રાખ્યું. એ "કૈલાશ " હાલ એક વર્ષ અને ચાર મહિનાનો તથા 65 કિલોનો એક મદમસ્ત જુવાન સિંહ થઇ ગયો છે અને પોતાના નાના ભાઈ " રિયાઝ " જોડે દિવસભર મોજમસ્તી કરતો રહે છે. 

શું કહે છે માચીયા સફારી પાર્ક રેસ્ક્યુ સેન્ટરના ડો. શ્રવણસિંહ

માચીયા સફારી પાર્ક રેસ્ક્યુ સેન્ટરના ડો. શ્રવણસિંહ બન્ને સિંહનાં નામ અંગે જણાવે છે કે "રિયાઝ" અને "કૈલાશ" બન્ને આજે અમારી વચ્ચે ડો. રિયાઝ અહેમદ કડીવાર અને કૈલાશ હોસ્પિટલના ડો. એસ.પી.સિંહ ના કારણે છે. એકે જયારે સિંહબાળ બચાવવા પોતાની હોસ્પિટલ આપી હતી જયારે બીજાએ દેશના સૌથી મોટા નેશનલ પાર્કમાં કાયદેસર રજા લઈ છેક રાજસ્થાન સુધી પહોંચી સિંહબાળને સારવાર આપી હતી. એ અમારા માટે ગર્વની વાત છે. 

ડો. રિયાઝ કડીવાર દેશભરનાં સિંહો માટે..

મૂળ (પીપળિયારાજ) વાંકાનેરના વતની અને ગીર નેશનલ પાર્ક ખાતે સિંહોના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર તરીકે સેવા આપતા ડો. રિયાઝ અહેમદ કડીવાર  (મો 97277 27866) ફક્ત ગીર નેશનલ પાર્ક કે માચિયા સફારી પાર્ક પૂરતી જ સેવા નથી આપતા. તેઓ લગભગ ભારતભરમાં જયાં પણ સિંહને કોઈ શારિરીક તકલીફ હોય ત્યાં સારવાર કરવા પહોંચી જાય છે. અત્યાર સુધીમાં તેઓ ઇટાવા લાયન સફારી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનના જોધપુર ઝુ, ઉદયપુર ઝુ,  કર્ણાટકનાં મૈસુર ઝુ માં પણ સિંહોની સારવાર કરવા ગયેલા છે. તે ઉપરાંત જ્યાં તાત્કાલિક પહોંચવું અઘરું હોય તેવા સ્થળોએ સિંહોની સારવાર સંબંધી ટેલીફોનીક સલાહ પણ આપતા રહે છે. હજુ ગયા માસમાં બાંધવગઢ નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ ખાતે રેસ્કયુ ઓપરેશન કરી બચાવવામાં આવેલા વાઘનાં બે બચ્ચાને પણ ડો.રિયાઝે મીલ્ક ફોર્મ્યુલા થકી સફળ સારવાર કરી હતી.


લેખન અને સંકલન - ઇલ્યાસ ખાન