આજે સવારે 11 વાગ્યાનાં સુમારે શહેરનાં વૃદ્ધાશ્રમમાં એક અવિશ્વસનીય દ્રશ્ય જોવા મળ્યું. સ્કૂલનાં નાના બાળકો વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ગિફ્ટ આપી રહ્યા હતા. સાથે બાળકોનાં થેંક્યુ... વેલકમ... જેવા શબ્દો વૃદ્ધોનાં ચેહરા પર વ્હાલ સહીતનું સ્મિત લાવી દેતા હતા.
વાત છે વાંકાનેર મચ્છુકાંઠા વૃદ્ધશ્રમની. અહીં વાંકાનેરની પ્રતિષ્ઠિત એવી કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલનાં વિદ્યાર્થીઓએ શહેરનાં વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ અનોખી પહેલ કરી હતી.
પહેલા સમય એ હતો કે બાળકોની ભૂલ થાય તો તેના ભવિષ્ય સુધરે એ હેતુથી માતાપિતા એને વઢતા. જ્યારે આજનાં આધુનિક યુગમાં ગેજેટ્સ અને એન્ડ્રોઇડને ઓપરેટ કરતા આવડે એટલે સંતાનો પોતાને એટલા સમજદાર માનવા લાગે છે કે માતાપિતાને પણ વઢી લે.
પહેલાનાં સમયમાં સ્કૂલમાં બાળકોને ભણાવતા શિક્ષકને "માસ્તર" કહી બોલવાતા. એનું કારણ એ શબ્દમાં જ છુપાયેલું છે માં+સ્તર એટલે જેનું સ્તર માં બરાબર હોય એ વ્યક્તિ એટલે માસ્તર અથવા શિક્ષક.
આવા જ એક શિક્ષક એટલે વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કૂલનાં પ્રિન્સિપાલ મેહુલ શાહ. તેમની સ્કૂલનાં કુમળી વયનાં વિદ્યાર્થીઓમાં પોતાના માતાપિતા, વડીલો અને શિક્ષકો પ્રત્યે આદરભાવ અને સન્માન આપવાની ભાવના વિકસે એ હેતુથી તેમણે અને સ્કૂલનાં સંચાલક ચિરાગ પુજારા તથા પારુલ પુજારાએ વિદ્યાર્થીઓને વાંકાનેર સ્થિત મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવવાની સરાહનીય પહેલ કરી.
મુલાકાત દરમિયાન સ્કૂલનાં વિદ્યાર્થીઓએ એકલવાયુ જીવન જીવતા વડીલોને પ્રેમપૂર્વક ખજૂર, શેરડી, અડદિયા, તરબૂચ તથા કચોરીયું જેવી વસ્તુઓ ગિફ્ટ આપી તેઓને પરિવારની ખોટ પુરી કરવા પ્રયાસ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમનાં સંચાલક બિપિન દોશીએ કિડ્ઝલેન્ડ સ્કૂલની આ પહેલને આવકારી હતી. અને વિદ્યાર્થીઓને સંવાદ કરતા જણાવ્યું હતું કે પહેલાનાં સમયમાં એક કહેવત બહુ પ્રચલિત હતી "સોટી વાગે ચમ-ચમ, વિદ્યા આવે ઝમ-ઝમ" એ સમય એવો હતો જ્યારે શિક્ષક મહેનતપૂર્વક વિદ્યાર્થીને ભણાવે અને વિદ્યાર્થી ન ભણે ત્યારે તેને સજા આપવા તેના હાથમાં માસ્તર સોટી ફટકારી વઢતા જેથી તેને ભણવાની ગંભીરતા સમજાય. અને તે સજા પણ લાંબાગાળે વિદ્યાર્થીના હિતમાં જ હોય. "
હવે એ સમય નથી રહ્યો. આપણે આપણા ઘરમાં જ જોઈએ છીએ કે નાના બાળકો પણ પોતાના માતાપિતા કે વડીલોને " એમાં તમને કંઈ ખબર ન પડે... જેવા ભારેખમ શબ્દો કહેતા અચકાતા નથી. તેવા સમયમાં બાળકો જ્યારે વિકસિત થઈ રહ્યા હોય ત્યારે જ તેનામાં પરિવાર પ્રત્યે આદરભાવની લાગણી જન્મે એ મહત્વનું છે.. "
ઉપરોક્ત કાર્યક્રમને અંતે બાળકોએ પોતાની સાથે લાવેલ નાસ્તો વૃદ્ધાશ્રમમાં જ કર્યો હતો. સમગ્ર આયોજન દરમિયાન કિડ્ઝલેન્ડ સ્કૂલનાં શિક્ષકો તથા સ્ટાફનાં મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.




