29.3.18

રિયલ હીરો : વાંકાનેર શહેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર RP જાડેજા સાથે એક મુલાકાત


" મારા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેના ફરજકાળ દરમિયાન વાંકાનેરની પ્રજા તરફથી જેટલો પ્રેમ અને સહકાર મળ્યો છે તેટલો મને ક્યાંય નથી મળ્યો, રિયલી અનબિલીવેબલ... "
" વાંકાનેર શહેરમાં ક્યાંય પણ લુખ્ખાઓની દાદાગીરી હોય, રોમિયોગીરીનો ત્રાસ હોય તથા દારૂ કે જુગાર જેવી બદી હોય શહેરનો કોઈપણ સામાન્ય નાગરિક ફરિયાદ માટે ડાયરેકટ મારા મોબાઈલ નંબર પર નિર્ભયપણે સંપર્ક કરી શકે છે... " 

આ શબ્દો છે વાંકાનેરનાં શહેર પીએસઆઇ RP જાડેજા નાં...

ગત માસમાં જ એટલે કે ફેબ્રુઆરી 2018 માં વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણુંક પામેલા RP જાડેજા (રામદેવસિંહ પી. જાડેજા) એ ફરજ સાંભળ્યાનાં માત્ર દોઢ મહિનાના સમયગાળામાં જ વાંકાનેર શહેરની પ્રજામાં સારી એવી લોકચાહના મેળવી છે.

ramdevsinh jadeja psi wankaner city - wankaner - wankaner city - aapnu wankaner - wankaner police
વાંકાનેરની પ્રજા તરફથી મને જેટલો પ્રેમ અને સહકાર મળ્યો છે
તેટલો મને ક્યાંય નથી મળ્યો : RP જાડેજા
 
લોકોને પણ હવે શહેરમાં પોલીસનું અસ્તિત્વ હોય તેવું લાગી રહ્યું છે. વાંકાનેરનાં પુલ દરવાજા, સિંધાવદર દરવાજા  અને જરૂરિયાત મુજબ અન્ય વિસ્તારોમાં પોલીસ જવાનો દેખાતા થયા છે. રાત્રે 12 વાગ્યા પછી કામ વિના ઉજાગરા કરતા નિશાચરો પણ હવે સમયસર ઘર ભેગા થઈ જાય છે એ સિવાય PSI RP જાડેજા ખુદ પોતે પણ નાઈટ પેટ્રોલિંગ કરી અમરસર ફાટકે મુકામ રાખી શહેરની સરહદને સુરક્ષિત રાખતા જોવા મળે છે. 

PSI RP જાડેજાએ પોતાની કામગીરીથી એક સારા અધિકારી જો પોતાની " માત્ર ફરજ " નિભાવે તો પણ પ્રજામાં કેવી લોકચાહના મેળવી શકે તેનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. 

જો કે કોઈ અધિકારીનાં બે-ત્રણ કામોથી પ્રભાવિત થઈ જઈ ચમચાગીરી શરૂ કરી દેવી એ પણ યોગ્ય નથી. RP જાડેજાની વાંકાનેર શહેર PSI તરીકે ચાર્જ સંભાળ્યા બાદની દોઢેક મહિનાની કામગીરીનું નિરીક્ષણ કરતા અગાઉનાં પોલીસ અધિકારી અને આ પોલીસ અધિકારીની કામગીરીમાં જમીન આસમાન જેટલો તફાવત સ્પષ્ટ દેખાઈ આવે છે. 

જેને અનુલક્ષીને "આપણું વાંકાનેર" દ્વારા શહેર PSI RP જાડેજા સાથે એક મુલાકાત ગોઠવાઈ હતી જેમાં તેઓએ પોતાના વિચારો અને મંતવ્ય ખુલ્લા મને રજૂ કર્યા હતા. તેમની સાથે થયેલ સવાલ - જવાબ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. 

Q - તમારું વતન અને તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કઇંક કહો
A - મારુ વતન ધ્રોલ તાલુકાનું રોજીયા ગામ છે અને હું એક ખેડૂતપુત્ર છું. સામાન્ય આર્થિક સ્થિતિના ફેમિલીમાં માતા - પિતા અને બે ભાઈ બે બહેનોમાં હું સૌથી નાનો. પિતા અને મોટાભાઈ બન્ને ખેતીકામ કરે છે અને મેં પોલીસ ફોર્સ જોઈન કરી. 

Q - પોલીસ ફોર્સ જોઈન કરવાનું કારણ શું ? અને તેમાં ફેમિલીનો સપોર્ટ કેવો મળ્યો ?
A - પોલીસ ફોર્સ જોઈન કરવા પાછળ કોઈ એવું મુખ્ય કારણ નહોતું અને કોઈમાંથી પ્રેરણા મળી હોય અને પોલીસ જોઈન કરી હોય એવું પણ નહોતું. અસલમાં મને એવું લાગ્યું કે મારી પોતાની અમુક આદત, સ્વભાવ અને કાર્યશૈલી એવી જ છે જેવી એક પોલીસ અધિકારીની હોવી જોઈએ. બસ ત્યારબાદ પાછું વળીને જોયું નહીં અને અંતે પોલીસ ફોર્સ જોઈન કરી. આ માટે મને ફેમિલીમાંથી સંપૂર્ણ સહયોગ મળ્યો અને તેમાંય ખાસ કરીને મારા મોટાભાઈનો સૌથી વધુ. મને યાદ છે હું મારા ગામ (રોજીયા) માં સૌ પહેલો પોલીસ અધિકારી બન્યો હતો. 

Q - પોલીસ ફોર્સ જોઈન કર્યા પછી કેમ રહ્યું ?
A - પોલીસ ફોર્સ જોઈન કર્યા પછી મારી સૌથી પહેલી સર્વિસ જામનગર ખાતે એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે શરૂ થઈ, ત્યારબાદ મોરબી અને હાલ વાંકાનેર પ્રોબેશનલ પીએસઆઇ તરીકે. 

Q - ક્યારેય એવું બન્યું કે પોલીસ ફોર્સ જોઈન કરવા બદલ અફસોસ થયો હોય ?
A - પોલીસની લાઈફ ઘણી ટફ હોય છે. અમારે પોતાના ઉપરી અધિકારી, પોતાના સ્ટાફ અને પ્રજા વચ્ચે સંતુલન અને સંકલનથી કામ કરવાનું હોય છે. એક પોલીસ અધિકારી પરનું કામનું પ્રેશર અને તેની વ્યથા તમે પોલીસ હોવ તો જ જાણી શકો. તેમ છતાં ક્યારેક એવું પણ બને કે અમે પણ પોલીસ જોબથી હતાશ થઈએ ખાસ કરીને જ્યારે પરિવારને સમય ફાળવી ન શકીએ ત્યારે. 

Q - ફરજ દરમિયાન ક્યારેય ઇમોશનલ થઈ જવાનો પણ પ્રસંગ આવ્યો ?
A - હા, કેમ નહીં ? એક પોલીસ આખરે એક માણસ જ છે. મને યાદ છે જામનગર ખાતે ફરજ દરમિયાન દેશી દારૂના વેચાણ અંગેની બાતમીના આધારે એમ એક ઘર જેવા સ્થાન પર દરોડો પાડ્યો હતો. પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈ મારુ હૃદય દ્રવી ઉઠ્યું હતું એક અંધ અને એક વિકલાંગ બે નાના બાળકો અને તેની બીમાર માં.. કદાચ દેશી દારૂના વેચાણથી જ એમનું ઘર ચાલતું હતું. અમે સામેથી તે પરિવારને આર્થિક સહાય કરી. એ સિવાય પણ આવા ઘણા પ્રસંગો આવ્યા જ્યાં અમે એક પોલીસ અધિકારી તરીકે માનવતા દાખવી હોય. 

ramdevsinh jadeja psi wankaner city - wankaner - wankaner city - aapnu wankaner - wankaner police
RP જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાંકાનેર સીટી 
Q - આપના કોઈ રોલ મોડલ છે ?
A - જી, જામનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રદીપ સેજુલ સર અને મોરબી જિલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોડ સર મારી પોલીસ અધિકારી તરીકેની અત્યાર સુધીની કારકિર્દી માટેના પ્રેરણારૂપ વ્યક્તિ અને રોલ મોડલ રહ્યા છે અને આગળ પણ રહેશે. 

Q - વાંકાનેર શહેરમા આપનો અનુભવ કેવો રહ્યો ? 
A - પોલીસ ફોર્સ જોઈન કર્યા બાદ મેં પહેલા જામનગર બાદમાં મોરબી અને હાલ વાંકાનેર શહેરમાં ફરજ બજાવી પણ મારા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેના ફરજકાળ દરમિયાન વાંકાનેરની પ્રજા તરફથી જેટલો પ્રેમ અને સહકાર મળ્યો છે તેટલો મને ક્યાંય નથી મળ્યો, અદ્દભુત રિયલી અનબિલીવેબલ.. 

Q - રાત્રી દરમિયાન આપના સઘન નાઈટ પેટ્રોલિંગનાં કારણે લોકો આપની પ્રસંશા કરે છે ? શું કહેશો ?
A - ખરેખર મને નવાઈ લાગે છે કે મેં જ્યારે વાંકાનેર શહેર PSI તરીકે ફરજ સંભાળ્યા બાદ મોડી રાત્રે દુકાનો બંધ કરાવવી અને અમથા ઉજાગરા કરતા તત્વોને ઘરભેગા કરવાની કામગીરી કરી તો લોકો પ્રસંશા કરવા લાગ્યા. ખરેખર તો એ પોલીસનું સામાન્ય કામ અને ફરજ છે હું જ્યારે જામનગર અને મોરબી હતો ત્યાં પણ આજ પ્રકારે  કામગીરી કરતો તેમાં પ્રસંશા કરવા જેવું કશું જ નથી.

Q - શહેરની ટ્રાફિક સમસ્યા મુદ્દે તો આપે કામગીરી કરી પણ એ સિવાય પોલીસે શહેરની અન્ય સમસ્યાઓ તરફ પણ ધ્યાન આપવું જોઈએને ? 
A - જુઓ, મેં વાંકાનેર શહેર PSI તરીકે ચાર્જ સંભાળ્યો  તેને હજુ દોઢ મહિનો થયો છે હું પણ ઈચ્છું છું કે વાંકાનેરને સારું અને શાંત સીટી બનાવવા માટે પ્રયત્ન કરું. હું સ્ટેપ બાય સ્ટેપ કામ કરીશ. અને અમે ટ્રાફિક મુદ્દે કામગીરીથી શહેરની ટ્રાફિક સમસ્યા મહદઅંશે હલ કરી છે. પણ એનો અર્થ એવો નથી કે અમે અન્ય સમસ્યાઓ પર ધ્યાન નથી આપતા. અમે શહેરમાં દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ અત્યારે સદંતર બંધ કરાવી દીધી છે આ અંગે તમે જાત તપાસ કરી જાત અનુભવ પણ કરી શકો છો. તેમ છતાં જો ક્યાંય છાને - ખૂણે આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો વાંકાનેરનાં દરેક નાગરિકને અપીલ છે કે અમને જાણ કરે અમે બંધ કરાવીશું. 

Q - શહેરનો સામાન્ય વ્યક્તિ તમારો સંપર્ક કઇ રીતે કરી શકે ? 
A - કોઈપણ વ્યક્તિ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે મને રૂબરૂ મળવા આવી શકે છે અને તે સિવાય ડાયરેકટ મને મારા મોબાઈલ નંબર - 990 900 1102 પર પણ નિર્ભયપણે સંપર્ક કરી શકે છે. 

Q - ડીમોલેશન કામગીરી અંગે શું કહેશો 
A - હા, શહેરમાં નગરપાલિકા અને વાંકાનેર પોલીસના સહયોગથી ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે 80% પુરી થઈ છે પરંતુ જરૂર પડ્યે ફરીથી શરૂ કરીશું. 

Q - ડીમોલેશનની કામગીરી સંદર્ભે લોકોમાં તંત્ર સામે થોડો રોષ પણ છે ? 
A - ડીમોલેશનની કામગીરીથી લોકોમાં રોષ ઉભો થાય જો તમે એકનું દબાણ હટાવો અને બીજાનું ન હટાવો તો. અમે લગભગ દબાણકર્તાઓના દબાણો હટાવ્યા જ છે. ઉલ્ટાનું લોકોએ પણ અમને સહયોગ આપ્યો છે. અને તંત્ર સામે રોષ રહેવા અંગે આપની વાત કદાચ સાચી હોય પણ તે બહુ ઓછા લોકોમાં. 

તમે જુઓ, અમે રાત્રીના નાઈટ પેટ્રોલિંગ કરી મોડે સુધી રાત્રી ઉજાગરા કરનારાને ઘરભેગા કરીએ છીએ તો એમને સારું તો ન જ લાગતું હોય ને. પરંતુ એવા લોકોની સંખ્યા સમાજમાં 0.50% જેટલી જ છે. સારા અને આદર્શ સમાજની વ્યવસ્થા માટે અમારે 99.50% લોકોને ફાયદો થાય એ કામ કરવાનું હોય અને એ જ રીતે અમે ડીમોલેશન કામગીરી કરી. બાકી પોલીસ દરેક લોકોને ગમતી જ હોય તેવું ન બને. પોલીસની કામગીરી એટલે पुलिस की जिंदगी के भी अजीब फ़साने है, यहां तीर भी चलाने है और परिंदे भी  बचाने है......

"આપણું વાંકાનેર" ના ફાઉન્ડર Ilyas Khan અને દમદાર PSI 
RP જાડેજા  @ અમરસર ફાટક પાસે...
Q - લોકો તમારી સરખામણી શહેરનાં પૂર્વ PI શ્રીવાસ્તવ સાહેબ સાથે કરી રહ્યા છે ? તમારી કામ કરવાની પેટર્ન એમના જેવી જ છે
A - હા, વાંકાનેર શહેરનાં PI તરીકે 1999 - 2001ના અરસામાં શ્રીવાસ્તવ સાહેબ હતા અને એમની કામગીરી વિશે આપની પાસેથી જાણ્યું. જો કે મેં તો વાંકાનેર શહેર PSI તરીકે માત્ર મારી ફરજ જ પુરી કરી છે અને તે જ કર્યું છે જે એક પોલીસ અધિકારીએ કરવું જોઈએ. હા, મારી કામ કરવાની પેટર્ન અન્યથી થો..ડી... અલગ છે. 

Q - વાંકાનેરનાં લોકો આપની પાસેથી શું આશા રાખી શકે ?
A - વાંકાનેરના લોકો તરફથી મને ઘણો સહયોગ અને પ્રેમ મળ્યો છે હવે મારે પણ તેમના પ્રેમ અને સહકારનો પોતાની PSI તરીકેની કામગીરીથી બદલો આપવો જોઈએ એવું હું માનું છું. વાંકાનેરના લોકોને હું ખાત્રી આપું છું કે શહેર માટે હું શક્ય તેટલી લોકઉપયોગી કામગીરી કરીશ અને શહેરની સુખાકારી માટે સ્ટેપ બાય સ્ટેપ આવશ્યક પગલાં ભરવા પ્રયત્નશીલ રહીશ જો કે એ માટે અધિકારીને પ્રજાનો સપોર્ટ પણ મુખ્ય પ્રેરણાબળ હોવું જરૂરી છે. 
____________________

 છેલ્લે છેલ્લે .. 
આપણું વાંકાનેરને વિશ્વસનીય પોલીસ સુત્રોમાંથી મળેલા છેલ્લા સમાચાર મુજબ PSI RP જાડેજાનો વાંકાનેર ખાતેનો પ્રોબેશનલ PSI તરીકેનો પિરિયડ પૂરો થવા પર હતો પરંતુ શહેરના અગ્રણીઓએ મોરબી એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબને RP જાડેજાને ફરી વાંકાનેર ખાતે જ PSI તરીકેનો ચાર્જ સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી જેને SP સાહેબે માન્ય રાખતા આ લોકલાડીલા PSI ને ફરીથી વાંકાનેર ખાતે ફરજ સોંપાઈ છે.




  લેખક વિષે ↴  

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.netBeyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે. 
સંપર્ક :  - 9898 11 3634 


  લેખક વિષે ↴  

નામ : Ilyas Khan

પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.netBeyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે. 

સંપર્ક :  - 9898 11 3634 


26.3.18

વાંકાનેરનો આ વિસ્તાર ક્યાંક પાકિસ્તાનની માલિકીનો તો નથી ને ??

wankaner - aapnu wankaner - wankaner city - wankaner news

એક સમયે રાજકોટ જિલ્લાનાં તાલુકા તરીકે ઓળખાતા વાંકાનેર શહેરને બે-ત્રણ વર્ષ પહેલા મોરબી જીલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ જીલ્લાનું લગભગ સૌથી મોટું તાલુકા મથક હોવા છતાં વાંકાનેર શહેરમાં કોઈ ખાસ ફેરફાર જોવા નથી મળ્યો. ઉલ્ટાનું અમુક વિસ્તારોમાં શહેરીજનોને મૂળભૂત સુવિધાઓથી વંચિત અને સમસ્યાઓથી ઘેરાયેલું રહેવું પડે છે. 

આવો જ એક વિસ્તાર વાંકાનેર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે 8A પાસે આવેલા રેલ્વે નાલાનો છે. અહીં લગભગ 2 વર્ષ કે એથીય વધુ સમયથી નાલામાં ગટરનું અતિશય ગંદુ પાણી ભરાયેલું રહે છે. જેનાથી માત્ર ત્યાંના સ્થાનિક રહેવાસીઓ જ નહીં પરંતુ અહીંથી પસાર થતા શહેરભરનાં લગભગ તમામ નાગરિકો ત્રાસી ગયા છે. સમસ્યાનું નિરાકરણ છેલ્લા બે વર્ષ કે એથીય વધુ સમયથી નહીં આવતા એવું લાગી રહ્યું છે કે વાંકાનેરનો આ વિસ્તાર ક્યાંક પાકિસ્તાનની માલિકીનો તો નથી ને ??

દર્દીઓ અને વિદ્યાર્થીઓને પણ ભોગવવી પડે છે હાલાકી 


અહીં એ ખાસ ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે પાસેના જે રેલ્વે નાલામાં પાણી ભરાવવાની સમસ્યા છે તે વિસ્તારની આગળનો વિસ્તાર રહેણાંક અને કોમર્શિયલ એરિયા હોવા ઉપરાંત ત્યાં શહેરની અગ્રણી હોસ્પિટલ્સ, વાહનોના શો-રૂમ અને સ્કૂલસ પણ આવેલી છે અને ત્યાં સુધી વાહનમાં કે પગપાળા પહોંચવા આ રેલ્વે નાલામાંથી પસાર થવું ફરજીયાત છે કારણ કે બાજુમાં નેશનલ હાઇવે 8A ની વનવે લેન હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહે છે. 

ખાસ કરીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલમાં જતા દર્દીઓને ગટરના ગંદા પાણીથી ખદબદતા નાલામાંથી પસાર થવું અસહ્ય બની ગયું છે. 

આ તે રાહદારીઓ માટેનો રસ્તો કે જાહેર મુતરડી ??


તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે બારેમાસ આ રેલ્વે નાલામાં અડધો - પોણો ફૂટ ગટરનું પાણી તો ભરાયેલું હોય જ છે એ ઉપરાંત અમુક અસામાજિક તત્વો તેનો જાહેર મુતરડી તરીકે પણ ઉપયોગ કરવા લાગ્યા છે. હવે તમે જરા વિચારો કે કોઈ વ્યક્તિ અહીંથી ચાલીને ગટરના પાણીથી બચી બચીને જઈ રહ્યો હોય અને બાજુમાંથી પૂરઝડપે વાહન પસાર થાય તો તેના પર કેવા પ્રકારની ગંદકી ઉડશે ... !!! 

પ્રશ્ન એ થાય છે કે શું આ રાહદારીઓને ચાલવા માટેનો રસ્તો નથી ? કે પછી લોકોએ પોતાની સલામતીની પરવા કર્યા વિના નેશનલ હાઇવે 8A ની વનવે લેન પર ચાલવું જોઈએ ? 

ધારાસભ્ય કાર્યાલયેથી પણ થઇ હતી રજૂઆત



આ લોક સમસ્યાનો નિકાલ આવે તે માટે ગત વર્ષે 9/11/2017 ના રોજ વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જાવેદ પીરઝાદાના કાર્યાલય ઇન્ચાર્જ શકીલ પીરઝાદા દ્વારા NHAI ને રજુઆત કરી સમસ્યાને હલ કરવા જાણ કરાઈ હતી. 

આટલા વર્ષોથી સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું ?


ઉપરોક્ત સમસ્યા વાંકાનેરના શહેરીજનો માટે કોઈ નવી સમસ્યા નહિ પણ વર્ષો જૂની સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો એવું માને છે કે આ સમસ્યા માટે NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) જવાબદાર છે. 

સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલમાં જતા દર્દીઓને ગટરના ગંદા પાણીથી ખદબદતા નાલામાંથી પસાર થવું અસહ્ય બની ગયું છે.

આ અંગે જયારે NHAI ના જવાબદાર અધિકારી સાથે વાત કરવામાં આવી તો એમનાં તરફથી એવું કારણ દર્શાવવામાં આવ્યું હતું કે NHAI ના કાર્યક્ષેત્રમાં આવતા રસ્તાઓમાં જો વરસાદનાં પાણીનો નિકાલ ન થાય અને વરસાદી પાણી ભરાય જાય તો એની જવાબદારી NHAI ની હોય છે અને એ માટે અમે દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત મોટાભાગનાં રસ્તાઓની સાફસફાઇ કરીએ છીએ. અને જે સમસ્યા વાંકાનેર પાસેના રેલ્વે નાલાની છે તો ત્યાં આજુબાજુનાં વિસ્તારોમાંથી આવતું ગટરનું પાણી જમા થાય છે અને તેની સાફસફાઇ સ્પષ્ટ રીતે સ્થાનિક નગરપાલિકાનું કામ છે. તેમ છતાં અમને આ અંગે ફરિયાદ મળતાં અમે સ્થાનિક નગરપાલિકાને આ અંગે જાણ કરી જ છે. 

વાંકાનેર નગરપાલિકા શું કહે છે ?


" આપણું વાંકનેર " દ્વારા આ મુદ્દે વાંકાનેર નગરપાલિકાનું શું કહેવું છે એ જાણવા પણ પ્રયત્ન કરાયો હતો. પરંતુ વાંકાનેર નગરપાલિકાની કચેરીએથી ચીફ ઓફિસરશ્રીનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો જેના પર બે થી ત્રણ વખત સંપર્ક કરવા છતાં " ડાયલ કરેલ નંબર અસ્તિત્વમાં નથી " ની કેસેટ વાગ્યે રાખતી હતી જેના કારણે એમની સાથે વાત થઇ શકી ન હતી.

 પાર્ટ - 2  વાકાનેર નેશનલ હાઇવે પાસેના ગંધાતા રેલવે નાલા મુદ્દે 2 વર્ષથી કોઈ નિરાકરણ નહિ આવતા લોકોમાં રોષ 



  લેખક વિષે ↴  

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | Beyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે. 
સંપર્ક :  - 9898 11 3634 

17.3.18

વાંકાનેર : આને કહેવાય કાર્યદક્ષ અધિકારી, ફક્ત એક ટ્વિટ અને 24 કલાકમાં લોક ફરિયાદનો નિકાલ ..!

wankaner - aapnu wankaner - wankaner city

(By Ilyas Khan), શહેરભરમાં લગભગ દરકે રસ્તાઓની હાલત બિસ્માર છે જેના કારણે તાજેતરમાં જ એટલે કે ગત તારીખ 13/3  ના રોજ રોડ બેસી જવાના કારણે શહેરમાં અલગઃ - અલગ ત્રણ જગ્યાએ પાણીની ભૂગર્ભલાઇન તૂટી હતી અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ઉપરોક્ત જે ત્રણ જગ્યાઓ પર ભંગાણ સર્જાયું હતું તે પૈકી દાણાપીઠ ખાતેનું ભંગાણ મોટું હોવાથી નગરપાલિકાની વોટરવર્કસ શાખાના અશોક રાવલ અને તેની ટીમ દ્વારા તેનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ લોક ફરિયાદને "આપણું વાંકાનેર" પર પણ તારીખ 14/3 ના પ્રકાશિત કરવામાં આવી હતી

wankaner sdm do good job for public issue in wankaner
લોક ફરિયાદ અંગે વાંકાનેર પ્રાંત અધિકારી અને મોરબી કલેક્ટરને ટ્વિટ દ્વારા માહિતગાર કરી યોગ્ય કાર્યવાહી કરવા વિંનતી કરવામાં આવી હતી
જો કે ગ્રીનચોકના મુખ્ય વીજપોલ નજીક થયેલ ભંગાણ રીપેર થયું ન હતું જે અંગે 16/3 ના રોજ " આપણું વાંકાનેર" ના ટ્વિટર હેન્ડલ (@aapnuwankaner)પરથી વાંકાનેર પ્રાંત અધિકારી અને મોરબી કલેક્ટરને ટ્વિટ દ્વારા માહિતગાર કરી યોગ્ય કાર્યવાહી કરવા વિંનતી કરવામાં આવી હતી. જે  સંદર્ભે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા ઉપરોક્ત લોક ફરિયાદને તાત્કાલિક ધ્યાને લેતા બીજા જ દિવસે એટલે કે તારીખ 17/3 ના રોજ ગ્રીનચોક ખાતેની લીકેજ ભૂગર્ભલાઇનનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું. 

લોક ફરિયાદનો ઓનલાઇન પ્રત્યુત્તર આપવાની સાથે સ્થળ પરનું કામ પણ ત્વરિત અને ઝડપી કરાવી આપવા બદલ " આપણું વાંકાનેર " પ્રાંત અધિકારી વાંકાનેર અને કલેક્ટરશ્રી મોરબીનો આભાર વ્યક્ત કરે છે.
wankaner - apnu wankaner - wankaner city - wankaner news
" આપણું વાંકાનેર " દ્વારા ઉપરોક્ત અધિકારીઓ તરફથી તાત્કાલિક અને સરાહનીય કામગીરી બદલ ટ્વિટર પર પણ આભાર વ્યક્ત કરાયો હતો

14.3.18

વાંકાનેર : રસ્તો બેસી જવાના કારણે બે દિવસમાં ત્રણ જગ્યાએ ભૂગર્ભલાઇન તૂટી

wankaner - wankaner news - wankaner city - aapnu wankaner

wankaner : (ઇલ્યાસખાન દ્વારા), લગભગ છેલ્લા બે વર્ષથી વાંકાનેર શહેરના ઘણા ખરા રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર થયેલી છે. અને તેમાંય ખાસ કરીને પુલ દરવાજા થી પ્રતાપ રોડ થઈ જીનપરા - હાઇવે સુધી જવાનો મુખ્ય રસ્તો ગાડામાર્ગ બની ચુક્યો છે.

વળી રાજકોટ રોડ પરનાં બેઠા પુલને તોડી નવો પુલ બનાવવાનું કામકાજ ચાલુ હોવાથી ત્યાંનો બધો ટ્રાફિક આ રસ્તા પર રહે છે જેના કારણે સ્થાનિકોને વિના વાંકે  હાલાકી ભોગવવી પડી રહી છે. 

પાણીની લાઈપલાઈનમાં ભંગાણ
પ્રતાપરોડ પર ભારે વાહનોની સતત અવરજવરને કારણે અહીંના ભમ્મરીયા કુવા પાસે રોડ બેસી જતા પાણીની ભૂગર્ભલાઈનમાં ગત તા. 13/3 નાં રોજ ભંગાણ સર્જાયું હતું અને કલાકો સુધી રોડ પર પાણીનો વેડફાટ થયો હતો. 

ગ્રીનચોકના મુખ્ય વિજપોલ પાસે લીકેજ ભૂગર્ભલાઈન
ગ્રીનચોક પાસે પણ લાઈન તૂટી
ભમ્મરીયા કુવા પાસે પાણીની ભૂગર્ભલાઈન તૂટ્યાનાં બીજા દિવસે એટલે કે આજે 13/3 નાં રોજ સવારે ગ્રીનચોકના મુખ્ય વિજપોલ પાસે જ ભૂગર્ભલાઈન તૂટી હતી અને રોડ પર પાણી વહ્યુ હતું. 

દાણાપીઠ પાસેની લાઈન પણ ..
બે દિવસમાં બે જગ્યાએ પાણીની ભૂગર્ભલાઈન તૂટ્યા બાદ રીપેર થાય એ પહેલાં જ ગ્રીનચોકથી દાણાપીઠ જવાના રસ્તે આવેલી પાણીની પાઇપલાઇનમાં મોટું કહી શકાય તેવું ભંગાણ સર્જાયું હતું. જેના કારણે દાણાપીઠ રોડ આખો રસ્તો પાણી પાણી થઈ ગયો હતો.

ભૂગર્ભલાઇન તૂટતાં દાણાપીઠ રોડ વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દાણાપીઠ પાસેની આ પાઇપલાઇન લગભગ દર મહિને ઓછામાં ઓછું એક વખત તો તૂટે જ છે. જો કે આ વખતે ભંગાણના કારણે રોડ પર પાણીની નદી વહેવા લગતા તાત્કાલિક વાંકાનેર નગરપાલિકા વોટરવર્કસ શાખાના અશોકભાઈ રાવલ અને તેની ટીમે સમારકામ ચાલુ કર્યું હતું. 


13.3.18

વાંકાનેર : તાલુકા શાળા નં-૪ (રામકૃષ્ણનગર) ખાતે શિક્ષકોનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો


શહેરનાં રામકૃષ્ણનગર ખાતે આવેલી તાલુકા શાળા નં - 4 માંથી નિવૃત્તિ સબબ વિદાય લેતા જગદીશચંદ્ર દવે, બલભદ્રસિંહ ઝાલા, પોપટલાલ કાવઠીયા, જશુમતીબેન ચૌહાણ, અનિલાબેન લાખાણી અને કંચનબેન જોશીનો વિદાય સમારંભ કોંગ્રેસી અગ્રણી ઈરફાન પીરઝાદાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. 

આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર, દિપાબેન બોડા, રાજકોટ જિલ્લા પ્રા.શિ.સંઘના પ્રમુખ રતુભાઈ ચાવડા, તા.પ્રા.શિ.સંઘ માળીયાના અગ્રણી દિનેશભાઇ હૂંબલ, ઘનશ્યામભાઈ દેથરીયા, ડાહ્યાલાલ બારૈયા, પૂર્વ બી.આર.સી.કો.ઓ. દિનેશભાઇ વડસોલા, બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઇ ઓઝા, નરેન્દ્રભાઈ જોશી, દીપકભાઈ ઠક્કર, ઇસ્માઇલી ખોજા જ્ઞાતિનાં અગ્રણી સલીમભાઈ મુખીયાણી, પર્યાવરણ એવોર્ડ વિજેતા કેશવલાલ નમેરા, ક્ષત્રિય આગેવાન વજુભા બાપુ, મોરબી ઉમિયા પરિવારના ઉદ્યોગપતિ, ચૌહાણ પરિવારના અગ્રણીઓએ હાજર રહી નિવૃત થયેલા શિક્ષકોની સેવાને બિદરાવી હતી. 

ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા શાળા આચાર્યશ્રી હસમુખરાય મકવાણા, પેટાશાળાના આચાર્યશ્રીઓ, પૂર્વ બી.આર.સી. હિતેશભાઈ સતાસીયા, પૂર્વ સી.આર.સી. અલ્પેશ દેસાણી, મનીષભાઈ, સુરેલાભાઈ, જેઠાલાલ, ગોવિંદભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.


લેખન અને સંકલન : ઇલ્યાસ ખાન