29.5.18

કાળઝાળ ઉનાળામાં 10-15 દિવસે એક વાર પીવાનું પાણી !! 😨 ચંદ્રપુર ગામનાં લોકોએ TDOને પાઠવ્યું આવેદનપત્ર

wankaner - aapnu wankaner - chandrapur drinking water problem - wankaner news

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના ગ્રામજનો દ્વારા આજે ચંદ્રપુર ગામમાં છેલ્લા ૩ માસથી પાણીની તંગી અને પાણી ન આવતું હોવાની ફરિયાદ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. અને જો તંત્ર દ્વારા તાકીદે આ સમસ્યા નહિ ઉકેલવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. 

તાલુકા પંચાયત કચેરીએ રજુઆત કરવા આવેલા ગ્રામજનોએ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં ક્યારેક ૧૦ કે ૧૫ દિવસે એક વાર પાણી મળે છે. જેથી લોકોને ઉનાળાના આકરા તાપમાં પાણી માટે હેરાન થવું પડે છે. તેમજ આ મુદ્દે અવારનવાર પંચાયતને મૈખિક રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. આ સમસ્યાનો કોઈ ઉકેલ તાકીદે કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.


 લેખક વિષે ↴ 

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે. 
સંપર્ક :  - 9898 11 3634 

21.5.18

વાંકાનેર : આધારકાર્ડ કામગીરી બંધ થતાં લોકોને હાલાકી, જિલ્લા કલેક્ટરને રજુઆત

wankaner - aapnu wankaner - tofik amreliya - wankaner news

વાંકાનેર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આધારકાર્ડ કાઢવાની કામગીરી બંધ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. એક બાજુ સરકાર બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંકઅપ કરાવવા તથા જાતજાતની સરકારી યોજનાઓનો લાભ લેવા આધારકાર્ડ ફરજિયાત કરી લોકોને દોડાદોડી કરાવી રહી છે તો બીજી તરફ વાંકાનેર પંથકમાં છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી આધારકાર્ડ કાઢવાની કામગીરી બંધ પડી છે. 

ઉપરોક્ત લોક સમસ્યા અંગે વાંકાનેરનાં સામાજિક કાર્યકર એવા તોફિક અમરેલીયાએ જિલ્લા કલેક્ટરશ્રીને ટ્વિટર મારફત પત્ર પાઠવી સમસ્યા હલ કરવા રજુઆત કરી છે. 

કલેકટરશ્રી ને પાઠવાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા લગભગ દોઢેક માસથી વાંકાનેર ખાતે આધારકાર્ડ કાઢવાની કામગીરી બંધ છે. ઉપરાંત વાંકાનેર પંથકના છેવાડાના ગામેથી વાંકાનેર આધારકાર્ડ કઢાવવા આવેલા સામાન્ય માણસને જ્યારે તાલુકા સેવા સદનની કચેરીએ પહોંચે ત્યારે તેને જાણ થાય છે કે આધારકાર્ડ કામગીરી તો બંધ છે જેના કારણે તેમનો સમય અને નાણાં બન્નેનો વ્યર્થ થાય છે. 

જ્યારે આ અંગે મામલતદારશ્રી તરફથી પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કે જાણકારી આપવામાં આવતી નથી કે આધારકાર્ડ કાઢવાની કામગીરી શા માટે અને ક્યાં સુધી બંધ રહેશે ? 

સામાજિક કાર્યકર તોફિક અમરેલીયા દ્વારા જિલ્લા
કલેકટરશ્રી ને આ બાબતે રજુઆત કરવામાં આવી છે

આ અંગે સામાજિક કાર્યકર તોફિક અમરેલીયાની રજુઆત ધ્યાને લઇ જિલ્લા કલેકટર દ્વારા લોકોને પડી રહેલી હાલાકી દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

6.5.18

વાંકાનેર : નેશનલ હાઇવે પાસેના ગંધાતા રેલવે નાલાની સફાઈ ચોમાસા પહેલા થશે ??

wankaner - aapnu wankaner - wankaner city - wankaner news (2)

વાંકાનેર નેશનલ હાઇવે પાસેનાં રેલવે નાલામાં છેલ્લા બે વર્ષ કે એથીયે વધુ સમયથી સફાઈ ન થતી હોય અને અસહ્ય ગંદકી ફેલાઈ રહી હોય તે અંગેનાં અહેવાલો ગત તારીખ 6 માર્ચ 2018 અને 01 એપ્રિલ 2018 નાં રોજ આપણું વાંકાનેરમાં અનુક્રમે ભાગ-1 અને ભાગ-2 સ્વરૂપે પ્રકાશિત થયા હતા.

જો કે આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારનાં પગલાં ન લેવાતા સ્થાનીય લોકો અને અહીંથી રોજબરોજ અવરજવર કરતા રાહદારીઓ વગર વાંકે યાતના ભોગવી રહ્યા છે.

ચોમાસા પહેલા સમસ્યા હલ થઈ જશે : ચીફ ઓફિસર


વિશ્વસનીય સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર તા. 1/5/18 ના રોજ NHAI ના જવાબદાર અધિકારી ઉપરોક્ત મુદ્દે વાંકાનેર આવેલ અને વાંકાનેર નગરપાલિકાનાં ચીફ ઓફિસર સાથે નાલાની સ્થળ મુલાકાત કરવાના હતા.  પરંતુ આજદીન સુધી પરિસ્તીથી જેમ ની તેમ જ રહેતા NHAI અને ચીફ ઓફિસર વચ્ચે ખરેખર સ્થળ મુલાકાત લેવાઈ હતી કે કેમ તેની હકીકત જાણવા આપણું વાંકાનેરનાં ફાઉન્ડર ઈલ્યાસ ખાન દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાથે ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો જે વાતચીતનાં અંશો અત્રે પ્રસ્તુત છે.

ઈલ્યાસ ખાન - સાહેબ, ચંદ્રપુર નાલામાં છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ભરાઈ રહે છે તે મુદ્દે હાલમાં કોઈ અપડેટ (કાર્યવાહી) થઈ છે ?

ગિરીશ સરૈયા - ના

ઈલ્યાસ ખાન - એવી માહિતી છે કે આ મુદ્દે NHAI ના જવાબદાર અધિકારી અને આપની વચ્ચે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. એ હકીકત સાચી છે ?

ગિરીશ સરૈયા - ના હું તેમને નથી મળ્યો. પ્રાંત સાહેબ* મળ્યા હતા.

ઈલ્યાસ ખાન - એટલે નાલામાં ભરાયેલા ગંદા પાણીના નિકાલ માટે કોઈ સમયમર્યાદા નક્કી થઈ છે ? કોઈ માહિતી ખરી ?

ગિરીશ સરૈયા - ના, કોઈ સમયમર્યાદા નથી આપવામાં આવી હા, ચોમાસા પહેલા સમસ્યા હલ થઈ જશે..

*પ્રાંત સાહેબ = ડેપ્યુટી કલેકટર SDM - વાંકાનેર 
_______________

છેલ્લા બે વર્ષ કે એથીય વધુ સમયથી શહેરના લોકો હાઇવેના આ નાલામાં ભરાયેલા ગટરનાં ગંદા અને દુર્ગંધથી ખદબદતા પાણીથી પરેશાન છે અને તેમાંથી છુટકારો મળવાનો હાલ તો કોઈ ચાન્સ નથી જે ચીફ ઓફિસર સાથેની વાતચીતથી સ્પષ્ટ થાય છે.

જવાબદારીની ફેંકમફેંક વચ્ચે મરો સામાન્ય માણસનો


ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત મુદ્દે NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) અને સ્થાનિક તંત્ર દ્વારા એકબીજા પર જવાબદારીની રીતસર ફેંકાફેંકી થઈ રહી છે. કોઈને એ નથી પડી કે અહીંથી ચાલીને જતા એક સામાન્ય નાગરિકને વગર વાંકે કેટલી મુશ્કેલી વેઠવાની રહે છે. જો ક્યારેક પોતાની હાઇફાઈ ગાડીઓમાંથી નીચે ઉતરી આ નાલા પાસે ફક્ત 20 મિનિટ પણ કોઈ અધિકારી ઉભા રહી દેખાડે તો તેમને પરિસ્તીથીનો સાચો ખ્યાલ આવે.

અહીં એ પણ વાસ્તવિકતા છે કે કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારીને અનેક મોરચા સંભાળવાના રહેતા હોય છે પરંતુ સામે એ પણ એટલું જ વ્યાજબી કારણ છે કે  તેઓ સરકારી કાર્યક્રમોમાં પરસેવો પાડી જે વફાદારી દર્શાવે છે તેની માત્ર અડધી વફાદારી સામાન્ય માણસ અને પ્રજા માટે પણ દર્શાવે તો ખરા કર્મનિષ્ઠ અધિકારી કહેવાય. અને એ રીતે કામ કરી પણ શકાય છે. જેના બે ઉત્તમ દ્રષ્ટાંત આ રહ્યા..

  1. રજુઆત કર્યાનાં માત્ર 24 કલાકમાં લોકહીતનું કામ કરી આપ્યું આ મહિલા IAS અધિકારીએ
  2. વાંકાનેર : ચાવડી ચોક ખાતેની પોલીસ ચોકી ફરી કાર્યરત, કર્મનિષ્ઠ પોલીસ અધિકારીનો સરાહનીય પ્રયાસ

 લેખક વિષે ↴ 

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે. 
સંપર્ક :  - 9898 11 3634 

2.5.18

આભાર શ્રી સોનલ મિશ્રા (MD, GSRTC) અને ST તંત્ર વાંકાનેર, માત્ર 24 કલાકમાં વાંકાનેર પુલ દરવાજા ખાતે બસોનું સમયપત્રક દર્શાવતું બોર્ડ લાગી ગયું,

wankaner - aapnu wankaner - wankaner st department

આપણું વાંકાનેર દ્વારા તાજેતરમાં જ પુલ દરવાજા બસ સ્ટોપ ખાતે આવતી - જતી બસનું ટાઈમટેબલ નથી અને ત્યાંનું બસ ટાઇમટેબલ બોર્ડ મુખ્ય બસ સ્ટેન્ડમાં !! 🤔 શીર્ષક હેઠળ એક પોસ્ટ પબ્લિશ કરવામાં આવી હતી. 

જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે "દરરોજ હજ્જારોની સંખ્યામાં મુસાફરો અહીંથી એસ.ટી. દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં મુસાફરી કરે છે. તેમ છતાં આ બસ સ્ટોપ પર મુસાફરોને બેસવા માટે એક બેન્ચ કે છાપરાનાં છાંયડાની સુવિધા પણ નથી. એટલું જ નહીં કઇ બસ ક્યારે આવશે અને કઇ બસ ક્યારે ઉપડશે તેની કોઈ પ્રકારની જાણકારી પણ નહીં મળે. બસોના સમયપત્રકનું નાનકડું બોર્ડ પણ અહીં ઉપલબ્ધ નથી." 

ઉપરોક્ત પોસ્ટ તારીખ 30/4/2018 ના રોજ પ્રકાશિત કરાઈ હતી અને ત્યારબાદ એટલે કે આજે 2/5/2018 ના રોજ વાંકાનેર એસટી ડેપો દ્વારા પુલ દરવાજા બસ સ્ટોપ ખાતે આવતી-જતી બસોનું સમયપત્રકનું નવું બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે. 


આ પ્રજાવત્સલ IAS અધિકારીએ આપ્યો સહકાર


વાંકાનેર પુલ દરવાજા ખાતે લોકોને પડતી મુશ્કેલીઓ અને સમયપત્રક ન હોવા અંગે હજુ એક દિવસ પહેલા જ એટલે કે 1/5/2018 ના રોજ આપણું વાંકાનેરનાં સંચાલક દ્વારા ગુજરાત રાજ્ય એસટી વિભાગ (GSRTC) ના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર શ્રી સોનલ મિશ્રાને ઉપરોક્ત બાબતે
WhatsApp મેસેજ દ્વારા રજુઆત કરાઈ હતી અને તેમણે રજુઆતનો ફક્ત જવાબ આપવાને બદલે વાસ્તવિક કામગીરી કરી દેખાડી હતી. અહીં એક મહિલા IAS અધિકારીનો સામાન્ય લોકો પ્રત્યેની સેવા ભાવના અને સકારાત્મક દ્રષ્ટિકોણ સ્પષ્ટ દેખાઈ આવે છે જે નોંધપાત્ર તથા આવકારદાયક છે. 

અંતે આજરોજ 2/5/2018 ના વાંકાનેર એસટી ડેપો દ્વારા પુલ દરવાજા બસ સ્ટોપ ખાતે આવતી-જતી બસોનું સમયપત્રક નવું બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે. 

લોકોની સુવિધા માટે તાત્કાલિક કાર્યવાહી કરી આપવા બદલ આપણું વાંકાનેર ઉપરોક્ત IAS અધિકારી શ્રી સોનલ મિશ્રા (MD, GSRTC) અને એસટી તંત્ર વાંકાનેરનો આભાર માને છે.


  લેખક વિષે ↴  
નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે. 
સંપર્ક :  - 9898 11 3634