25.7.19

ડોકટર્સ ડાયરી : " ઓળખાણ પડી સાહેબ... " (ઓપીડીનાં દરવાજા બાજુથી અચાનક અવાજ આવ્યો)

Wankaner city news

" ઓળખાણ પડી સાહેબ !!!!!!! "

ઓપીડીનાં દરવાજા બાજુથી અચાનક અવાજ આવ્યો..

" શું થયુ બતાવવાનું છે ? મેં સહજતાથી પૂછ્યું.. "

" ના સાહેબ, ખાલી મળવા જ આવ્યો છું. " (નિખાલસ સ્મિત સાથે બાળકે  જવાબ આપ્યો)

એ હસતાં બાળકને જોઇ હું જાણે વિચાર શૂન્ય બની ગયો. હજુ હું કાઈ યાદ કરું તેના પહેલા જ દરવાજામાંથી સ્મિત કરતા ચહેરા સાથે એક દંપતીની એન્ટ્રી થઇ અને જાણે ભૂતકાળની એ 2 વર્ષ પહેલાંની ઘટના મારી આંખો સમક્ષ તાજી થઇ !

આજથી બે વરસ પહેલા ટંકારા તાલુકાથી (અહી દર્દીનું નામ લખવું યોગ્ય ન હોવાથી લખ્યું નથી) આ દંપતી ઘણી બધી ફાઈલો લઇ એ બાળકની સારવાર કરાવવા માટે મારી હોસ્પિટલે આવેલું. 

બાળકનાં માતાપિતા બન્નેનાં નિરસ ચહેરા અને ચહેરાનાં હાવભાવ એટલું કહેવા માટે કાફી હતા કે આ બાળક કોઈ અસાધ્ય બીમારીથી પીડાય રહ્યું છે.

કેટલા સમયથી તકલીફ છે ? શું સારવાર કરાવી ? વગેરે અનેક પ્રશ્નો પૂછ્યા. શાંતિથી બધી તપાસ કરતા ખબર પડી કે આ બાળક સોરીયાસિસ નામની ચામડીની તકલીફથી પીડાય રહ્યો છે. 

ખૂબ સારવાર કરવા છતાં સફળતા ન મળતા ચિંતામાં ને ચિંતામાં બાળકનાં માતા પિતા પણ ડિપ્રેશનનો શિકાર બનેલા. (એક ડોક્ટર તરીકે નિખાલસતાથી કહું તો આ (સોરીયસીસની બીમારી) નો પહેલા સ્ટેજની સારવારનો પૂરતો અનુભવ મારી પાસે ન હતો) પરંતુ એ બાળકનો વિશ્વાસ અને માતાપિતાનાં દ્રઢ મનોબળે મને દરેક પ્રકારની સારવાર કરવાની જાણે છૂટ આપી હોય એમ વિચારી મેં આયુર્વેદિક પદ્ધતિ વડે સારવાર કરવાનું વિચાર્યું !!! 

બાળકનાં માતાપિતાને આશ્વાસન આપી રોગ વિશેની પરેજી સમજાવી સારવાર ચાલુ કરી પણ...

ડોક્ટર સાહેબ આ બીમારી 100% મટી તો જશે ને ? (માતાપિતાનાં એ લાગણીશીલ સવાલનો જાણે મારી પાસે કોઈ જવાબ જ ના હોય એમ અલ્પ આત્મવિશ્વાસ સાથે કહ્યું હા....! હું પૂરતો પ્રયત્ન કરીશ.. જેમ દરેક ડૉક્ટર પોતાની છટક બારી શોધે એમ મેં પણ જવાબ આપ્યો.

સારવાર દરમિયાન અનેક ચઢાવ ઉતાર આવ્યા, બીમારી ક્યારેક વધે તો ક્યારેક ઘટે. પણ દર્દીનો મારી પ્રત્યેનો વિશ્વાસ હંમેશા અડગ રહ્યો અને એજ મારી સફળતાની ચાવી બની. જ્યાં જરૂર પડી ત્યાં મારા કરતા અનુભવી મિત્રોનું માર્ગદર્શન પણ મેળવ્યું. આખરે 12 થી 13 મહિનાની સારવાર બાદ બાળક પોતાની બીમારીથી મુક્ત થયું ને સાથે જ માતાપિતાની ડિપ્રેશન લની દવાઓ પણ બંધ થઈ.

મિત્રો, આ સત્યઘટના અહીં લખવાનો હેતુ એ બાળક બીમારીથી મુક્ત થઈ સ્વસ્થ થયું એ નહિ પણ તેનો મારા પરનો વિશ્વાસ એવો હતો કે જેણે મને આજે ડોકટર હોવા પર ગર્વનો અનુભવ કરાવ્યો. 

આજકાલ ભગવાનનું બીજું સ્વરૂપ મનાતા ડોક્ટરોમાં ઘટતી જતી માનવતા તેમજ દર્દીઓનો ડૉક્ટર પરનો અવિશ્વાસ એ ડોક્ટર અને દર્દી વચ્ચે એક ઉંડી ખાઈ સમાન છે અને એ દર્દી મારો આભાર માને એના કરતા અનેક ગણો હું એનો આભારી છું. 

-

By,
ડો. અલ્તાફ શેરસીયા (MD - Ayu)
Relief Hospital 
wankaner
M : 90334 57226

21.7.19

વાંકાનેર : સિપાહી સમાજનાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો


આજ રોજ વાંકાનેર ખાતે સિપાહી જ્ઞાતિનાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શિક્ષણ, સેવા, આરોગ્યનાં મુદ્રાલેખ સાથે સિપાહી જ્ઞાતિનાં નવયુવાનો દ્વારા કાર્યરત એવા " સિપાહી યુવા મિત્ર ગ્રૂપ " દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સિપાહી જ્ઞાતિનાં અગ્રણી આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


શહેરનાં પ્રતાપ રોડ પાસે આવેલા સિપાહી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સિપાહી જ્ઞાતિનાં સભ્યોના સંતાનો કે જેઓએ શિક્ષણ ક્ષેત્રે સારો દેખાવ કરી 70 ટકા ઉપરાંત માર્ક્સ મેળવેલ હોય તેઓને સિપાહી યુવા મિત્ર ગ્રૂપ તરફથી પ્રોત્સાહન સ્વરૂપે ઉચિત મેડલ, ટ્રોફી, નોટબુક જેવા ઇનામો આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શકીલ પીરઝાદા ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સિપાહી યુવા મિત્ર ગ્રુપનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

*(Photo credit : Furqan Qureshi)


-: WRITTEN BY :-

30.6.19

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ- સમિતીની બેઠક યોજાઇ

wankaner city police station meeting about ashadhi beej festival

વાંકાનેર : આજરોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આગામી અષાઢી બીજનાં તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

વાંકાનેરનાં નવનિયુક્ત પીઆઇ હર્ષવર્ધન રાઠોડનાં અધ્યક્ષપદે આયોજિત આ બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આગામી 4 જુલાઈએ અષાઢી બીજનો તહેવાર હોય વાંકાનેર શહેરમાં પણ ભરવાડ સમાજ દ્વારા શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેને અનુલક્ષી શહેરમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ યથાવત રહે તે માટે વાંકાનેર શહેર પોલીસ દ્વારા ઉપરોક્ત બેઠક યોજાઈ હતી. 

15.6.19

અમદાવાદ ટ્રાફિક પોલીસનો છબરડો, અદ્રશ્ય વાહનને ઇ-ચલાન ફટકારી દીધું..!!


વાંકાનેર : (ઈલ્યાસખાન દ્વારા), રાજ્ય ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આધુનિકતા સાથે કદમ મિલાવી આઈવે પ્રોજેકટ કાર્યરત છે જેમાં CCTV કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોની વાહન નંબર દ્વારા ઓળખ મેળવી તેમને ઇ-ચલાન મોકલી ઓનલાઈન દંડ વસુલ કરવામાં આવે છે.

પણ ક્યારેક અતિ આધુનિકતાનાં છબરડાને કારણે નિર્દોષ વાહનચાલકોને પણ વિના વાંકે દંડાવાનો વારો આવે છે.

આવો જે એક બનાવ વાંકાનેરના વાહનચાલક સાથે બનવાની ઘટના સામે આવી છે જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે વિના વાંકે ઇ-ચલાન પાઠવી છબરડા કરવાનો ક્રમ યથાવત રાખ્યો છે.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વાંકાનેર કુંભારપરા ખાતે રહેતા અને પોતાનું મહિન્દ્રા મેક્સિમો વાહન ધરાવતા સુરેશભાઈ અંબાભાઈ ગુજરાતીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ઇ-ચલાન પાઠવી દંડ ભરવા જણાવાયું છે.

વાહનચાલક સુરેશભાઈનું વાહન ત્રણ મહિનાથી ઘરે જ હોવા છતાં ઇ-ચલાન કઈ રીતે આવ્યું તે આશ્ચર્ય ઉપજાવે છે

જો કે વાહનચાલક સુરેશભાઈના જણાવ્યા મુજબ તેઓનું મહિન્દ્રા મેક્સિમો વાહન છેલ્લા ત્રણેક મહિનાથી ઘરે જ છે અને ક્યાંય બહાર લઈ ગયેલ પણ નથી. તેવામાં અમદાવાદ પોલીસની ત્રીજી આંખને આ વાહન ક્યાંથી દેખાઈ ગયું એ નવાઈ પમાડે છે.

ઇ-ચલાનની તસ્વીરમાં ક્યાંય સુરેશભાઈનું વાહન ક્યાંય દેખાતું જ નથી ..!! છે ને બાકી તંત્ર.. 

આટલું ઓછું હોય તેમ ઇ-ચલાનમાં ટ્રાફિક નિયમનો ભંગ કરવા અંગે જે ફોટા દર્શાવવામાં આવ્યા છે તેમાં ચશ્મા પહેરીને જોવા છતાં સુરેશભાઈનું મહિન્દ્રા મેક્સિમો વાહન દેખાતું નથી. વળી ઇ-ચલાનમાં દર્શાવેલ નંબર સુરેશભાઈના વાહનના જ છે તેવામાં અમદાવાદ ટ્રાફિક પોલીસના આઈવે પ્રોજેકટના કર્મચારીઓની કામગીરી પર પણ સવાલ ઉભો થાય છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ આઈવે પ્રોજેકટનાં આવા છબરડા બહાર આવવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. 

14.5.19

વાંકાનેર - મોરબીનાં વેજ - નોનવેજ ફૂડનાં સ્વાદ રસિયાઓનું નવું ઠેકાણું એટલે રાજ રેસ્ટોરન્ટ, ઢુવા


વાંકાનેરનાં વેજ અને નોનવેજ ફૂડનાં સ્વાદ રસિયાઓ માટે હવે વાંકાનેર નેશનલ હાઇવેથી મોરબી જતા રાણેકપરનાં બોર્ડ પાસે " રાજ રેસ્ટોરન્ટ " એક નવું ઠેકાણું બન્યું છે. 

મૂળ વાંકાનેરનાં મૂર્તઝા લાકડાવાલાએ સ્વાદ અને સ્વચ્છતા સાથેના કોન્સેપ્ટ સાથે શરૂ કરેલી રાજ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને અનુકૂળ જ નહીં પરંતુ પસંદ પડે તેવું ઉમદા વાતાવરણ પણ છે. જો કે મૂર્તઝાભાઈ અને તેમનો સ્ટાફ ગ્રાહકોને અહીંનો સ્વાદ યાદ કેમ રહી જાય તેના પર વધુ ભાર આપી રહ્યા છે. 

રાજ રેસ્ટોરન્ટનાં ઓનર મૂર્તઝા લાકડાવાલા (ડાબે)

આપણું વાંકાનેર સાથેની વાતચીતમાં મૂર્તઝાભાઈ જણાવે છે કે " વાંકાનેર કે મોરબી જ નહીં પરંતુ રાજકોટમાં પણ આ પ્રકારની કદાચ સૌપ્રથમ વેજ - નોનવેજ રેસ્ટોરન્ટ છે. અહીં ફેમિલી સાથે જમવા લાયક AC / નોન AC હોલ તેમજ ઓપન પ્લોટમાં ઢાબા સ્ટાઇલ જમવાની ફૂલ સગવડતા આપવામાં આવી છે...

...અહીં તંદુરી, ચાઈનીઝ અને એગ્ઝની સુપર સ્પેશ્યલ આઇટમો બનાવવા સુરત, નેપાળી તથા બંગાળના 15 વ્યક્તિનો સ્ટાફ રોકાયેલો છે જે ગ્રાહકોને સ્વાદ અને સ્વચ્છતાની સાથે તેમની એક વખતની મુલાકાત કાયમી સંભારણું બની જાય તેના માટે સતત પ્રયત્નશીલ છે. "

AC / નોન AC હોલ તેમજ ઓપન પ્લોટમાં ઢાબા સ્ટાઇલ જમવાની સગવડતા


1000 વારની વિશાળ જગ્યામાં પથરાયેલી રાજ રેસ્ટોરન્ટ વાંકાનેરથી 9 કિલોમીટર તથા મોરબીથી અંદાજે 18 કિલોમીટરનાં અંતરે આવેલી છે. 

રેસ્ટોરન્ટનો સમય સવારે 10:00 થી 3:00 તથા સાંજે 6:00 થી રાત્રે 12:30 સુધીનો તેમજ વાંકાનેર શહેર માટે ફ્રી ડિલિવરી પોઇન્ટની સગવડતા પણ ઉપલબ્ધ છે. 

❏ સંપર્ક અને સરનામું ❏

 રાજ ફેમિલી રેસ્ટોરન્ટ  
(વેજ - નોનવેજ)
રાણેકપર બોર્ડ પાસે, - ઢુવા
> વાંકાનેરથી 9 કિમી
> મોરબીથી 18 કિમી
> રાજકોટથી 50 કિમી
📞 : 70962 00555

સમય : સવારે 10 થી 3, સાંજે 6 થી 12:30
*વાંકાનેર શહેર માટે ફ્રી ડિલિવરી પોઇન્ટની સુવિધા


14.2.19

વાંકાનેરની કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ફ્રી મેડિકલ ચેક-અપ કેમ્પ યોજાયો

wankaner - wankaner news - kidzland school wankaner

કહેવાય છે કે નાના બાળકો કાચા ઘડા સમાન હોય છે તેને જેવો ઘાટ આપો એવા ઘડાઈ જાય. બાળકોમાં નાનપણથી જ સારા સંસ્કારોનું સિંચન થાય અને તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા મળે તેવા કાર્યક્રમોનું અવાર-નવાર આયોજન કરવા માટે જાણીતી વાંકાનેરની કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં આજરોજ 14/2 નાં દિવસે વેલેન્ટાઈન ડે નાં બનાવટી નાટકો ઉજવવાને બદલે એક મેડિકલ ચેક-અપ કેમ્પનું આયોજન કરી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. 


આ કેમ્પમાં ડો. હેતલ અને ડો. અનિલ દ્વારા સ્કૂલનાં તમામ વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થીઓને બજારમાં મળતા જંકફૂડ અને ખુલ્લાં વેંચાતા નાસ્તાઓથી શરીરને કેવું નુકશાન થાય છે તે અંગે સમજણ અપાઈ હતી. 

ઉપરાંત "મોબાઈલ અને તેના આપણાં શરીર તથા આંખોને થતા નુક્શાનો"વિષય પર પણ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં જ્ઞાન અપાયું હતું.


ઉપરોક્ત કેમ્પને સફળ બનાવવા કિડ્ઝલેન્ડ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલનાં સંચાલકો અને સ્ટાફનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી. 

19.1.19

ઇસ્લામિક ધાર્મિક સાહિત્યમાં બહુમૂલ્ય યોગદાન આપનાર મોઇનુદ્દીન મનીઆર વાંકાનેરની મુલાકાતે


મૂળ ગુજરાતનાં વલસાડ શહેરનાં વતની અને હાલ ઇંગ્લેન્ડના વેમ્બલી (લંડન) ખાતે સ્થાયી મોઇનુદ્દીન હાજી ગુલામ બશીર મનીઆર આજે (18 જાન્યુઆરી) વાંકાનેરનાં મહેમાન બન્યા હતા. 

મોઇનુદ્દીન મનીઆરે ખાસ કરીને ઇસ્લામ ધર્મ વિષયે અતિ ઉપયોગી અને સંગ્રહ કરવા લાયક અનેક પુસ્તકોનો ગુજરાતી અનુવાદ કરી ઇસ્લામિક ધાર્મિક સાહિત્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. 

હઝરત ઇમામ મુહ્યુદ્દીન અબુ ઝકરીયા યહયા બિન શરફ અન-નવવી (રહેમતુલ્લાહ અલૈહ, દમાસ્કસ (ઇરાક) દ્વારા મૂળ અરબી ભાષામાં લખાયેલ અને માતબર મહત્વ ધરાવતા પુસ્તક "રિયાદુસ્સાલિહીન" નું સુન્ની મુસ્લિમ કમિટી - ગોંડલનાં સહયોગથી મોઇનુદ્દીન મનીઆરે બે ભાગોમાં સરળ ગુજરાતી અનુવાદ કરી ગુજરાતી ઇસ્લામિક સાહિત્યની બેનમૂન સેવા કરી છે. 

ઉપરાંત ગુજરાતી-ઉર્દુ શબ્દકોશ પણ તેઓનું યાદગાર પ્રકાશન છે. તેઓ આજે પોતાનાં વતન વલસાડથી અમદાવાદ અને અમદાવાદથી ખાસ બે સ્નેહી-મિત્રો અયુબખાન પઠાણ અને અશરફ ભાઈને મળવા વાંકાનેર આવ્યા હતા અને ધાર્મિક વિષયે વિવિધ ચર્ચાઓ કરી હતી. 

આપણું-વાંકાનેરનાં ફાઉન્ડર ઈલ્યાસ ખાન દ્વારા તેઓને આગ્રહ કરાતા એમણે યાદગાર તરીકે એક બહુમૂલ્ય નસિહત કરતા જણાવ્યું હતું કે " તમારી ક્ષમતા મુજબનું નેક કામ કરતા રહો, પરંતુ એ નેક કામનો બદલો કે વળતરની અપેક્ષા ન રાખવી. નેકી (સદકાર્ય) ફક્ત અલ્લાહ માટે જ કરવું અને એ જ જો ચાહશે તો તેનો બદલો આપશે. "

:- તેઓનું પોસ્ટલ એડ્રેસ તથા ઇ-મેલ આઈડી :-

- Adress 
Moinuddin Manier
64, Cecil avenue, WEMBLEY
Middlesex HA9 7EA, UK
- E-mail 
mgmaniar@hotmail.com