31.10.18

વાંકાનેર શહેરનાં લોકપ્રિય પોલીસ અધિકારી પ્રવિણસિંહ ઝાલા વયમર્યાદાને કારણે નિવૃત થતા વિદાયમાન સમારોહ યોજાયો

wankaner - aapnu wankaner - wankaner news - Pravin sinh p zala - wankaner city police

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં આજ રોજ તારીખ 31/10/2018 ની સાંજે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા પ્રવિણસિંહ પી. ઝાલાનો નિવૃત્તિ વિદાયમાન સમારોહ યોજાયો હતો. 



વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનનાં ASI પ્રવિણસિંહ પી. ઝાલાએ પોતાના મિલનસાર સ્વભાવ અને કુનેહપૂર્વકની પોલીસ કામગીરીથી માત્ર પોલીસ પરિવારમાં જ નહીં પરંતુ વાંકાનેર શહેરની પ્રજામાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને જે તે સમયે વાંકાનેર શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને છેલ્લે LIB વિભાગની પોલીસ કામગીરી કાબીલેદાદ રહી છે. 


20/10/1960 નાં રોજ સુરેન્દ્રનગર જિલ્લાનાં પાનશીણા ગામે જન્મેલા અને ધ્રાંગધ્રા તાલુકાનાં કોંઢ ગામના વતની એવા પ્રવિણસિંહ પી. ઝાલા વાંકાનેર પોલીસ પરિવાર અને વાંકાનેર શહેરમાં " PP ઝાલા " નાં ઉપનામથી વધુ ઓળખીતા છે. તેમણે વાંકાનેર સિવાય ધોરાજી, જસદણ, ઉપલેટા અને મોરબી જેવા શહેરોમાં પણ નિર્વિવાદ પોલીસ કામગીરી કરી ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.


જીવન ઝરમર : પ્રવિણસિંહ પી. ઝાલા

ભારતીય આર્મીનાં ઓપરેશન બ્લુસ્ટારમાં પણ સહભાગી..


આ વાત બહુ ઓછી જાણીતી છે કે પ્રવિણસિંહ પી. ઝાલા પોલીસ અધિકારી બન્યા તે પહેલા 1979 થી 1985 સુધી એટલે કે 6 વર્ષ સુધી ભારતીય થલ સેનામાં પણ ફરજ બજાવી ચુક્યા છે. એટલું જ નહીં પરંતુ સેનાની સર્વિસ બુકમાં તેમને " Example " (અન્ય માટે અનુકરણીય અને દ્રષ્ટાંતરૂપ) નું બિરુદ પણ મળેલ.

ઉપરાંત સેનાનાં બહાદુર જવાન તરીકે એમને જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ જેવા ટફ વિસ્તારોમાં પોસ્ટિંગ મળેલ અને એમણે ત્યાં પણ સુપેરે ફરજ બજાવી. એ સિવાય ભારતીય સેનાનાં ઇતિહાસમાં સ્થાન પામેલ " ઓપરેશન બ્લુસ્ટાર " માં પણ પ્રવિણસિંહ ઝાલા ભારતીય સેનાનો ભાગ રહ્યા હતા જે વાંકાનેર માટે ગૌરવની વાત કહેવાય. 

વાંકાનેર શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં બેનમૂન કામગીરી ..


1986 થી ગુજરાત પોલીસમાં જોડાઈ 2018 સુધી 32 વર્ષ પોલીસ અધિકારી તરીકે ધોરાજી - ઉપલેટા - જસદણ - વાંકાનેર - મોરબી - વાંકાનેર એમ સૌરાષ્ટ્રભરમાં ફરજ બજાવી ચૂકેલા પ્રવિણસિંહ ઝાલાની વાંકાનેર ખાતેની ટ્રાફિક કામગીરી આજે પણ શહેરનાં લોકો યાદ કરે છે. 

2008 - 2009 - 2015 નાં સમયગાળામાં વાંકાનેર શહેર પોલીસનાં ટ્રાફિક વિભાગમાં પ્રવિણસિંહ ઝાલા અને તે સમયે વાંકાનેર શહેર પોલીસમાં તેમના સહકર્મચારી તરીકે ફરજ બજાવતા આદમભાઈ ઠેબા (હાલ મોરબી જિલ્લા ટ્રાફિક, ASI) ની જોડીએ સામાન્ય પ્રજાથી લઈ ઉપરી અધિકારી અને વેપારીઓથી લઈ ગરીબ લારીગલ્લા વાળાઓ સુધી કોઈને પણ ટ્રાફિકથી મુશ્કેલી ન પડે તે રીતે સંતુલન ગોઠવી બેમિસાલ કામગીરી કરી હતી જેને આજે પણ વાંકાનેરનાં લોકો યાદ કરે છે. 

ઉપરાંત તેઓએ વાંકાનેર સિવાય મોરબીમાં પણ પોણા ત્રણ વર્ષ સુધી ટ્રાફિક બ્રાન્ચની અસરકારક કામગીરી કરી હતી. 

આજ રોજ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં આયોજિત તેમના નિવૃત્તિ વિદાય સમારોહમાં CPI બ્રહ્મભટ્ટ સાહેબ, શહેર PI BT વાઢીયા સાહેબ, શહેર PSI MJ ધાધલ સાહેબ, શહેર PSI RP જાડેજા સાહેબ, વાંકાનેર તાલુકા PSI GR ગઢવી સાહેબ સહિત સમગ્ર વાંકાનેર પોલીસ પરિવાર તથા શહેરનાં પ્રતિષ્ઠિત નાગરિકો અને શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

 લેખક વિષે ↴  


નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | Beyondheadlines.in ના પૂર્વ ન્યુઝ રિપોર્ટર છે. 
સંપર્ક : 9898 11 36 34

19.10.18

વાંકાનેર ખાતે પાંચમાં સુન્ની મુસ્લિમ સમુહલગ્નનું આયોજન, 11 દુલ્હા-દુલ્હન લગ્ન સંબંધે જોડાશે

wankaner - aapnu wankaner - muslim samuh lagna - wankaner news

Wankaner : વાંકાનેર ખાતે આગામી 28/10/2018 રવિવારનાં રોજ પાંચમાં સુન્ની મુસ્લિમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. હઝરત ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રૂપ ઓફ વાંકાનેર દ્વારા આયોજિત આ સમુહલગ્નમાં 11 દુલ્હા-દુલ્હન એકબીજા સાથે લગ્ન સંબંધે જોડાશે. 

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત સમૂહલગ્નનાં આયોજક એવા હઝરત ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપનાં યુવા કાર્યકરોની ટીમ સમયાંતરે આ પ્રકારનાં સમુહલગ્નનું આયોજન કરી રહી છે. 

ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓનાં લગ્નપ્રસંગે તેનાં ઘરવાળાઓ પર ઓછામાં ઓછો આર્થિક બોજ આવે તેવા ઉમદા હેતુથી આ સમુહલગ્નનું આ વર્ષે પણ આયોજન કરાયું છે. જેમાં અનેક નામી-અનામી દાતાઓ પણ યથાશક્તિ યોગદાન આપી સહભાગી બન્યા છે. 

-::  કાર્યક્રમની રૂપરેખા  ::-

● સમૂહલગ્ન તારીખ - ૨૮/૧૦/૨૦૧૮
● સમૂહલગ્નનું સ્થળ - તાલુકા શાળા-૧ નું ગ્રાઉન્ડ
● સમય - સવારે ૧૦:૦૦ કલાકે


14.9.18

વાંકાનેરનું ગૌરવ : કિડ્ઝલેન્ડ સ્કૂલનાં 5 વિદ્યાર્થીઓ લખનઉ ખાતેનાં ઇન્ટરનેશનલ મેકફેરમાં ઝળક્યા

wankaner - wankaner news - kidzland school wankaner

By : Ilyas Khan, વાંકાનેરની કિડ્ઝલેન્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓની ટીમે તાજેતરમાં જ લખનઉ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ મેકફેરમાં ભાગ લીધો હતો જેમાં તેઓએ જુનિયર વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી મેકફેરમાં આવેલી વિદેશની 12 ટીમો સામે વિજેતા બની વાંકાનેરનું ગૌરવ વધારેલ હતું. 

લખનઉ ખાતેની ઉપરોક્ત મેકફેરની સ્પર્ધાનાં જુનિયર વિભાગમાં વિજેતા બનેલા કિડ્સ લેન્ડ સ્કૂલનાં વિદ્યાર્થીઓ જ્યારે વાંકાનેર રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હતા ત્યારે કિડ્ઝલેન્ડ સ્કૂલનાં પ્રિન્સિપાલ મેહુલ શાહ, ડાયરેક્ટર ચિરાગ પુજારા, પારુલ પુજારા તેમજ સ્કૂલનાં સ્ટાફ સહિત શહેરનાં અગ્રણીઓએ મોટી સફળતા મેળવીને આવેલા 1). પ્રગતી કાનાબાર, 2). પ્રિયાંશી ખરવડ, 3). વસીમ માથકીયા, 4). નુરુન્નિશા ચૌધરી અને 5). સ્પંદન પુજારાને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કૂલ એ વિદ્યાર્થીઓને માત્ર ગોખાવીને વધુ માર્ક્સ લાવવા માટેનું શિક્ષણ આપવા કરતા વિદ્યાર્થીઓને મેથ્સ, સાયન્સ અને ટેકનોલોજીમાં રુચિ વધે તે માટે મોડેલ્સ દ્વારા પ્રેક્ટીકલ જ્ઞાન આપવા માટે આગવી ઓળખ ધરાવે છે. 

ઉપરાંત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે તેવા સેમિનારોનું પણ સમયાંતરે આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ અહીં રાષ્ટ્રીય કક્ષાનાં તજજ્ઞનો સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. 

12.8.18

મોરબી જિલ્લા પોલીસની અગત્યની કચેરીઓના ફોન નંબરો

morbi police - wankaner police - tankara police - maliya miyana police phone number

  • જિલ્લા પોલીસ અધિકારી - 02822 243471 / 243470 / ફેક્સ - 240909 
  • નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક, મોરબી) - 02822 243473 
  • નાયબ પોલીસ અધિક્ષક (મોરબી વિભાગ, મોરબી) - 02822 241909 
  • નાયબ પોલીસ અધિક્ષક (SC ST) - 02822 243477 
  • PSI એલસીબી મોરબી - 02822 243475 
  • RSI હેડક્વાર્ટર - 02822 243478 
  • PSI વાયરલેસ - 02822 243478 
  • LIB - 02822 243476 
  • PI એસીબી - 02822 233133 
  • CPI મોરબી - 02822 230195 
  • CPI વાંકાનેર - 02828 220565 
  • PI મોરબી 'A' ડિવિઝન - 02822 230188 
  • પી મોરબી 'B' ડિવિઝન - 02822 - 242651 
  • PSI મોરબી તાલુકા - 02822 242592 
  • PI વાંકાનેર સીટી - 02828 220556 
  • PSI વાંકાનેર તાલુકા - 02828 220665 
  • PSI ટંકારા - 02822 287733 
  • PSI હળવદ - 02758 291751 
  • PSI માળીયા (મીં) - 02829 286733 

27.7.18

વાંકાનેર ખાતે આગામી રવિવારે જિલ્લા કક્ષાનાં વન મહોત્સવનું આયોજન

wankaner- aapnu wankaner - wankaner forest department

[By Ilyas Khan] :
વાંકાનેરમાં આગામી 29 જુલાઈ ના રોજ મોરબી જિલ્લાનો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ 2018 યોજાનાર છે. રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા "ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત" નાં સ્લોગન સાથે ગુજરાતભરમાં વન મહોત્સવ ઉજવાય રહ્યા છે જે અંતર્ગત મોરબી જિલ્લાનો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ વાંકાનેર ખાતે વાસણભાઇ આહીર (રા.ક.મંત્રીશ્રી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગ) ના અધ્યક્ષપદે યોજાનાર છે. 

ઉપરોક્ત કાર્યક્રમ આગામી તારીખ 29/7/2018 રવિવારનાં રોજ યોજાશે તથા કાર્યક્રમનું સ્થળ ગાયત્રી મંદિર, વાંકાનેર તથા સમય સવારનાં 10:00 વાગ્યાનો રાખવામાં આવેલ છે. 

કાર્યક્રમમાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છના સાંસદશ્રીઓ તથા મોરબી, વાંકાનેર, ટંકારા, કાલાવાડ અને ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લા કલેક્ટર R.J.માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી S.M.ખટાણા, નાયબ વન સંરક્ષક, મોરબી M.M.ભાલોડી ઉપસ્થિત રહેનાર છે. 

ઉપરાંત ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

20.6.18

વાંકાનેર : અંતે નેશનલ હાઇવે પાસેના ગંધાતા રેલવે નાલાની સમસ્યા હલ કરવા તંત્રએ આળસ ખંખેરી

wankaner - aapnu wankaner - wankaner news - wankaner photo - wankaner city

છેલ્લાં લગભગ બે વર્ષ કે એથીય વધુ સમયથી શહેરના નેશનલ હાઇવે પાસેના રેલવે નાલામાં ગટરનું ગંદુ પાણી ભરાય રહેવાની જે સમસ્યા હતી તે હવે આટલા સમય બાદ સમાધાન તરફ આગળ વધી રહી છે. 

તાજેતરમાં જ વાંકાનેર નગરપાલિકા દ્વારા ઉપરોક્ત રેલવે નાલાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બન્ને રેલવે નાલા પૈકી ભાટિયા સોસાયટી તરફનાં નાલાની સફાઈ કરી દેવામાં આવી છે જ્યારે સામેની બાજુનાં રેલવે નાલાની સફાઈ કામગીરીનું કામ પ્રગતિ પર છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર નેશનલ હાઇવે પાસેનાં ઉપરોક્ત રેલવે નાલામાં છેલ્લા બે વર્ષ કે એથીયે વધુ સમયથી સફાઈ ન થતી હોય લગભગ એકાદ ફૂટ જેટલા ગટરના ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા રહેતા હતા જેના કારણે અસહ્ય ગંદકી ફેલાઈ રહી હતી. જે અંગે તંત્રને આળસ મરડી સફાઈ કરવા વિવિધ ક્ષેત્રનાં જન પ્રતિનિધિઓ દ્વારા અવારનવાર રજુઆત કરવામાં આવી હતી. ત્યાં સુધી કે ગટરનાં પાણીની સફાઈ જેવા મામુલી કામ માટે પણ છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી લેખિત રજૂઆતો પહોંચી હતી. 

ત્યારે હવે નગરપાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખની નિમણુંક થતાની સાથે જ બે વર્ષ જૂની આ લોક સમસ્યા પર ધ્યાન અપાયું છે જે આવકારદાયક છે. 

આશા રાખીએ કે તંત્ર દ્વારા ઉપરોક્ત રેલવે નાલા અને આજુબાજુના વિસ્તારોની સમયાંતરે સફાઈ કરવામાં આવે અને કામગીરી પર નજર રાખવામાં આવે. જેથી કરીને લોકોને વિના વાંકે હાલાકી ભોગવવી ન પડે. (Photo Credit (L) - Kaptaan). 

 લેખક વિષે ↴ 

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે. 
સંપર્ક :  - 9898 11 3634 

29.5.18

કાળઝાળ ઉનાળામાં 10-15 દિવસે એક વાર પીવાનું પાણી !! 😨 ચંદ્રપુર ગામનાં લોકોએ TDOને પાઠવ્યું આવેદનપત્ર

wankaner - aapnu wankaner - chandrapur drinking water problem - wankaner news

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના ગ્રામજનો દ્વારા આજે ચંદ્રપુર ગામમાં છેલ્લા ૩ માસથી પાણીની તંગી અને પાણી ન આવતું હોવાની ફરિયાદ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. અને જો તંત્ર દ્વારા તાકીદે આ સમસ્યા નહિ ઉકેલવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. 

તાલુકા પંચાયત કચેરીએ રજુઆત કરવા આવેલા ગ્રામજનોએ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં ક્યારેક ૧૦ કે ૧૫ દિવસે એક વાર પાણી મળે છે. જેથી લોકોને ઉનાળાના આકરા તાપમાં પાણી માટે હેરાન થવું પડે છે. તેમજ આ મુદ્દે અવારનવાર પંચાયતને મૈખિક રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. આ સમસ્યાનો કોઈ ઉકેલ તાકીદે કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.


 લેખક વિષે ↴ 

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે. 
સંપર્ક :  - 9898 11 3634